ફ્રાંસ યોગીના હાથમાં આપો, ૨૪ કલાકમાં રમખાણો કંટ્રોલમાં આવી જશે : યુરોપના જાણીતા ડોક્ટર

પેરિસ, ફ્રાંસમાં ૨૭ જૂને ટ્રાફિક પોલીસે અલ્જીરિયન મૂળના નાહેલ એમ નામના ૧૭ વર્ષના છોકરાને ગોળી મારી દીધી હતી. જેને લઈ હવે દેશભરમાં રમખાણો ફેલાઈ ગયા છે. આ રમખાણોમાં અત્યાર સુધીમાં ૮૭૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે લગભગ ૫૦૦ ઘરોને નુક્સાન થયું હતું. આ બધાની વચ્ચે યુરોપના જાણીતા ડોક્ટર અને પ્રોફેસર એન. જોન કેમે ટ્વીટ કરીને ભારતની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ફ્રાંસમાં રમખાણોની સ્થિતિનો સામનો કરવા માટે ભારતે મુખ્યમંત્રી યોગીને મોકલવા જોઈએ.

યુરોપના જાણીતા ડોક્ટર અને પ્રોફેસર એન.જોન કેમે કહ્યું કે, ભારતે ૨૪ કલાકની અંદર CM યોગીને મોકલવા જોઈએ. આ ઉપરાંત પ્રો. બુલડોઝર સાથે CM યોગીનો કાર્ટૂન ફોટો પોસ્ટ કરતા એન જોન કેમએ લખ્યું, ભારત પર શાસન કરવાનો અને કાયદો/વ્યવસ્થા જાળવવાનો આ એકમાત્ર રસ્તો છે. બાકી બધું બકવાસ છે.

ફ્રાંસ છેલ્લા ૪ દિવસથી જબરદસ્ત હિંસાનો સામનો કરી રહ્યું છે. આ માટે ફ્રાંસમાં રમખાણોનો સામનો કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. ફ્રાંસના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને બ્રોડકાસ્ટર TF1ને  જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે શુક્રવારે (૩૦ જૂન) સાંજે ૪૫,૦૦૦ પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા હતા. ફ્રાંસમાં અલ્જેરિયન મૂળના એક છોકરાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ફેશનની રાજધાની પેરિસમાં હિંસક વિરોધ શરૂ થયો હતો. તેણે આખા ફ્રાંસને ઘેરી લીધું.

આ તરફ સત્તાવાળાઓએ અહેવાલ આપ્યો કે, ભૂમધ્ય બંદર શહેર માર્સેલીમાં પોલીસે શહેરના કેન્દ્રમાં હિંસક જૂથોને વિખેરવાનો પ્રયાસ કર્યો. મૃતક નાહેલની માતા મૌનિયા એમ.એ ફ્રાન્સ ૫ ટેલિવિઝનને જણાવ્યું કે, તેણી તેના એકમાત્ર બાળકની હત્યા કરનાર પોલીસ અધિકારીથી ગુસ્સે છે. તેમણે કહ્યું, ’મારા દીકરાને ન્યાય મળવો જોઈએ.’ તેમણે કહ્યું, ’પોલીસ અધિકારી પોતાની બંદૂક લઈને અમારા બાળકો પર ગોળી મારી શકે નહીં, અમારા બાળકોનો જીવ ન લઈ શકે.’

નાહેલ એમ અલ્જેરીયન મૂળના ફ્રેન્ચ શરણાર્થી હતો. તે ટેકવે ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને રગ્બી લીગ રમતો હતો. તે તેની માતાનો એકમાત્ર સંતાન હતો. નાહેલના પિતાની ખબર નથી. નાહેલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો ન હતો, જોકે તે ઇલેક્ટ્રિશિયન બનવાની તાલીમ લઈ રહ્યો હતો. આ માટે તેણે ઘરથી થોડે દૂર સુરેસનેસની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજમાં તેમનો હાજરીનો રેકોર્ડ નબળો હતો. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો પરંતુ તે પોલીસને જાણતો હતો.