દાહોદ,મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ચૂંટણી પ્રભાગ, ગાંધીનગરના તા.16.03.2024ના પત્ર ક્રમાંક: ઈએલસી/102024/11/છ (MCC) થી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવેલ છે. ચૂંટણી પંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ 19-દાહોદ (અજજા) સંસદીય મત વિભાગની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો તા.12:04.2024 થી તા.19.04.2024 દરમ્યાન રજુ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઈ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજુ કરવા આવે છે.
જેના કારણે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતિ ઉભી થાય છે. આ સ્થિતિ નિવારવા ભારતના ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ મુજબ અમલવારી સુનિશ્ચિત કરવા આપેલ મુજબ હુકમ કરવા જરૂરી જણાતા હોય, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 ની કલમ-144 હેઠળ નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબકકે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના ચાર અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. એટલે કે કોઈપણ ઉમેદવાર કે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓએ કે સમર્થકો સાથે પાંચથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં.
ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહીં. ઉપર મુજબની સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારીપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા સદર કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉમેરવાનો રહેશે.
આ હુકમ ઇસ્યુ કર્યા તારીખથી બે માસ સુધી અમલમાં રહેશે, તેમજ સમગ્ર દાહોદ જીલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે. આ હુકમ અન્વયે જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જાહેરનામા દ્વારા જણાવાયું છે.