ગુજરાતના સૌથી સુપ્રખ્યાત શક્તિધામ અંબાજીમાં ફાયર એનઓસી વગર ચાલતી ૫ હોટલ અને એક રિસોર્ટને સીલ મારવામાં આવ્યુ છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનાના ૩ મહિના વીતી ગયા બાદ હવે અંબાજી પ્રશાસન સફાળુ જાગ્યુ હતુ.
ફાયર અને વનવિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને ફાયરએનઓસી વગર ચાલતી હોટલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળા અને રિસોર્ટ પર સપાટો બોલાવ્યો હતો. જેમાં ઈસ્કોન અંબે વેલી, ક્રિશ્ર્ના હોટલ, માધવ ઈન હોટલ, વનરાજી રિસોર્ટ અને રાજપુત સમાજ ધર્મશાળામાં ફાયર એનઓસી ન હોવાના કારણે તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવ્યું હતુ. અન્ય કાર્યવાહીમાં એક વગદાર વ્યક્તિની ધર્મશાળા અને હોટલ પણ સીલ કરાઈ હોવાની ચર્ચાના પગલે હોટલ માલિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
અંબાજી વન્ય વિસ્તારમાં અનેક ગેરકાયદે હોટલો લાઈસન્સ અને એનઓસી વગર ઉભી કરી દેવાઈ હતી અને તંત્ર અત્યાર સુધી મૌન ધારણ કરીને સમગ્ર તમાશો જોઈ રહ્યું હતુ પણ અચાનક સફાળા જાગીને હવે વન વિભાગની હદમાં ઉભા કરાયેલા રિસોર્ટ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૧૫૦થી વધુ હોટલ સંચાલકો પાસે ફાયર એનઓસી ન હોવાનુ તપાસમાં ખુલ્યું હતું. વરસો પછી એક સાથે વનવિભાગ અને ફાયર વિભાગે આવી કડક કાર્યવાહી કરતા હોટલ સંચાલકો પણ વિચારમાં પડી ગયા છે.
આવતી કાલે પણ હોટલો અને રિસોર્ટમાં તપાસ ચાલુ રાખવામાં આવશે અને એનઓસી સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવશે. જે હોટલ સંચાલકો અને રિસોર્ટ ધારકો પાસે જરુરી લાઈસન્સ નહી હોય તેમને સીલ મરાશે.