મંદિર નીચેથી વધુ એક મંદિર મળી આવ્યું,આ મંદિર ૧૦૦૦ વર્ષ જૂનું

ઉજ્જૈન મંદિરમાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા :નિરિક્ષણ કરનારી પુરાત્વ વિભાગની ટીમે મળી આવેલા અવશેષો પરથી તે મંદિર ૧૦૦૦ વર્ષ જૂનું હોવાનું જણાવ્યું મંદિરમાં અન્ય પ્રોજેક્ટ માટે ખોદકામ શરૂ કરાયું હતું . મહાકાલ મંદિરની આસપાસ 20-25 ફૂટના ખોદકામ પછી નકશીદાર દિવાલ મળી આવીઃ ખોદકામ અટકાવાયું

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જ્યોર્તિલિંગ મહાકાલ મંદિરમાં અન્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ ચાલતું હતું. લગભગ ૨૦-૨૫ ફૂટનું ખોદકામ થયું હતું ત્યારે નીચે નકશીદાર બાંધકામ જોવા મળ્યું હતું.


પ્રાચીન બાંધકામ જોવા મળ્યા પછી ખોદકામ અટકાવી દેવામાં આવ્યું હતું. પુરાતન વિભાગે સાઈટમાંથી સેમ્પલ મેળવ્યા હતા. પુરાતત્વ વિભાગના અધિકારી ડૉ. રમણ સોલંકીએ જૂના બાંધકામ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ કોઈ બાંધકામની દિવાલ હોવાની શક્યતા છે.આ બાંધકામ સંભવતઃ એકાદ હજાર કે તેનાથી પણ વધારે જૂનું હોય એવી પૂરી શક્યતા છે.
પરમાર વંશનું શાસન હતું એ વખતે જૂનું મંદિર બંધાયું હોવાનું કહેવાય છે. જો આ બાંધકામ એકાદ હજાર વર્ષ જૂનું હશે તો પરમાર વંશના શાસનકાળ દરમિયાન બનેલું હોઈ શકે છે.


પુરાતન વિભાગના કહેવા પ્રમાણે અત્યારે ખોદકામ અટકાવી દેવાયું છે. હવેનું ખોદકામ નિષ્ણાતોની દેખરેખ હેઠળ થશે. તે માટેની જરૃરી પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. શક્યતા તો એવી પણ વ્યક્ત થઈ રહી છે કે કદાચ વધુ ખોદકામ કરતા બે અઢી હજાર વર્ષ જૂનું બાંધકામ પણ જોવા મળી શકે છે, જે ઉજ્જૈનના ઈતિહાસને સજીવન કરશે.