ફાઇનલમાં હેડ અને સ્મિથ ૨૦૦ રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી બની

ઓવલ, ડબ્લ્યુટીસીની ફાઈનલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૩ વિકેટ ગુમાવી ૩૨૭ રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડ ૧૪૬ રન અને સ્ટીવ સ્મિથ ૯૫ રન પર રમી રહ્યા હતા. બંને વચ્ચે અત્યાર સુધીમાં ૨૫૧ રનની અણનમ ભાગીદારી થઈ છે. ટ્રેવિસ હેડની ટેસ્ટમાં આ છઠ્ઠી સદી છે. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ઈતિહાસમાં સદી ફટકારનાર વિશ્ર્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

ટ્રેવિસ હેડની સદી સાથે ૪૮ વર્ષ બાદ આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેને ડબ્લ્યુટીસી ફાઇનલમાં પાંચમા નંબર પર સદી ફટકારી હોય. આ પહેલા વર્ષ ૧૯૭૫ના વર્લ્ડ કપમાં આ પ્રકારનું કારનામું થયું હતું. તે વર્લ્ડ કપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોયડે પાંચમાં નંબર પર સદી ફટકારી હતી. આ સાથે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ ડબ્લ્યુટીસીની ફાઇનલમાં ૨૦૦ રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી પણ બની ગઈ છે. બંનેએ મળીને ભારતીય બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ સાથે જ હેડ ડબ્લ્યુટીસી ફાઇનલમાં સદી ફટકારનાર વિશ્ર્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

ડબ્લ્યુટીસીની ફાઈનલ મેચમાં ૨૫મી ઓવરમાં માર્નસ લાબુશેનની વિકેટ પડી હતી. લાબુશેને ૨૬ રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્મિથ અને હેડે બીજા અને ત્રીજા સેશનમાં બેટિંગ માટે અનુકૂળ પીચનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં ૪૪ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારવામાં આવ્યા છે, જે સ્પષ્ટપણે ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણનું ખરાબ પ્રદર્શન દર્શાવે છે. વિદેશી ધરતી પર હેડની આ પ્રથમ અને એકંદરે છઠ્ઠી સદી છે. ભારતીય બોલરોમાં મોહમ્મદ સિરાજને બીજા દિવસે ઘણી મહેનત કરવી પડશે. સિરાજે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરની જેમ તેનામાં સાતત્યનો અભાવ હતો.