
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં એક યુવક બપોરના સમયે રોડ ઉપર સાઈડમાં લઘુશંકા કરવા માટે ઉભો રહ્યો હતો. આ સમયે પવિત્રદાસ નામનો ઈસમ તથા અન્ય ત્રણ ઈસમોએ ભેગા મળી તમે કોણ છો તેમ કહીને તેના પર હુમલો કર્યો હતો. આ તમામ વ્યક્તિઓ યુવકને ઓળખતા હોવા છતાં પણ તેને માર મારી એલફેલ ગાળો આપી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી માર માર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સિંગણપોર વિસ્તારમાં રહેતો યુવક સિંગણપોર વિસ્તારમાં જ રસ્તાની સાઈડમાં ઉભો રહીને લઘુ શંકા કરતો હતો. આ દરમિયાન પવિત્ર દાસ નામનો ઈસમ તથા તેની સાથે અન્ય ત્રણ ઈસમો તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ તેઓએ તમે કોણ છો તેમ પૂછતા યુવકે પોતાની ઓળખ આપી હતી. પવિત્રદાસ યુવકને તથા તેની બહેનને ઓળખતો હોવા છતાં અને યુવક દલિત સમાજનો હોવાનું જાણવા છતાં પણ તેને એલફેલ ગાળો આપી ઢીક મુક્કીનો ઢોર માર માર્યો હતો.
એક ઈસમ ફિલ્મી સ્ટાઈલમાં કાર લઈને આવ્યો હતો અને લાકડાના ફટકો લઈને આવી યુવકને માર માર્યો હતો. જાતિ વિષયક અપમાનજનક જાહેરમાં શબ્દો બોલી લાકડાના ફટકા વડે માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેથી બનાવને પગલે યુવકે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પવિત્રદાસ અને અન્ય ત્રણ ઈસમો સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે ઘટના સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચપ્પુ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા હતા. હાલ તો સિંગણપોર પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.