ફિલ્મ પ્રમોશન દરમિયાન ’સુપરસ્ટાર’ પર ફેંકાયુ ચપ્પલ

મુંબઇ,

સુપરસ્ટાર પર ચપ્પલ ફેંકવાની ઘટનાનો તેના ફેન્સ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે દર્શન તેના બેકાબૂ ફેન્સને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હકીક્તમાં, અહીં તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યુ હતુ, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી એ બહાર આવ્યું નથી કે તેમના પર ચપ્પલ ફેંકનાર આ વ્યક્તિ કોણ હતો?

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓની સુરક્ષામાં દર્શન તેના ફેન્સને મળી રહ્યો છે. દરમિયાન, ભીડમાંથી એક ચપ્પલ ઉડતુ આવે છે, જે આવીને તેના ખભાને સ્પર્શે છે. અચાનક બનેલી આ ઘટનાથી દર્શન એકદમ દંગ રહી જાય છે, પરંતુ તેના ફેન્સ બેકાબૂ થઇ જાય છે. દર્શન કોઈક રીતે તેના ફેન્સને શાંત કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે ચપ્પલ ફેંકનાર વ્યક્તિને કહે છે કે, આમાં તારી ભૂલ નથી ભાઈ, કોઈ વાંધો નથી. ઘટના બાદ દર્શન તરત જ પોલીસની સુરક્ષામાં ત્યાંથી નીકળી જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્શને હોસ્પેટમાં ’ક્રાંતિ’ને માત્ર પ્રમોટ જ નથી કર્યું, પરંતુ તેનું એક સોન્ગ પણ લોન્ચ કર્યું હતું. આ સિવાય તેમણે દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પ્રતિમાને પણ ડેકોરેટ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે દર્શનને ચપ્પલ મારવાનું કારણ તેમનું વિવાદાસ્પદ નિવેદન છે જે તેણે હાલમાં જ આપ્યું હતું. દર્શને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાગ્યની દેવી તમારો દરવાજો ખટખટાવતી નથી. જો તે દરવાજો ખટખટાવે તો તેને પકડી લો અને ઢસડીને રૂમમાં લઇ જાઓ. ત્યાં તમે તેના બધા કપડા ઉતારી દો. આ જ નિવેદનને લઇને લોકોમાં દર્શન પ્રત્યે ગુસ્સો છે અને તે એક્ટરની જોરદાર આલોચના કરી રહ્યાં છે. આ ઉપરાંત ફોન પર થયેલી વાતચીતમાં કથિત રૂપે દર્શને મીડિયાને આ વાત પર ખરીખોટી સંભળાવી હતી કે મીડિયાએ તેના જીવનનું દરેક પાસુ તપાસના દાયરામાં લાવીને ઉભુ કરી દીધુ છે. તે બાદ ઘણી ન્યૂઝ ચેનલ્સે દર્શનની ફિલ્મ ’ક્રાંતિ’ના પ્રમોશનલ ઇવેન્ટ્સને બોયકોટ કરી દીધી હતી.

ફિલ્મ ’ક્રાંતિ’ની વાત કરીએ તો કન્નડ ફિલ્મોના સૌથી મોટા સ્ટાર દર્શને તેમાં લીડ રોલ કર્યો છે. આ ફિલ્મ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. દર્શનની આ પહેલી પેન ઇન્ડિયા ફિલ્મ છે, જે કન્નડ ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક વી. હરિકૃષ્ણા છે અને મ્યુઝિક પણ તેમનું જ છે. રચિતા ફિલ્મમાં રામ દર્શનની લીડીંગ લેડી તરીકે જોવા મળશે. ૧ નવેમ્બરના રોજ દર્શને ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું અને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી. તેણે લખ્યું, વિશ્ર્વભરના તમામ ગૌરવપૂર્ણ કન્નડ લોકોને કન્નડ રાજ્યોત્સવની શુભકામનાઓ. કન્નડ સત્ય છે, કન્નડ શાશ્ર્વત છે. અમારી ફિલ્મ ’ક્રાંતિ’ ૨૬ જાન્યુઆરીએ તમારી નજીક આવી રહી છે. તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા પર વરસાવતા રહો. સાઉથના સુપરસ્ટાર દર્શનની ફિલ્મ ’ક્રાંતિ’ની ટક્કર શાહરૂખ ખાન સ્ટારર ’પઠાણ’ સાથે થશે. જોવાનું એ રહેશે કે દર્શન પોતાની પહેલી પેન ઈન્ડિયા ફિલ્મથી દર્શકોનો કેટલો પ્રેમ મેળવી શકે છે.