ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની જેમ કાર્યક્રમોમાં જઇશ અને ઉદ્ઘાટનના કાર્યક્રમો માટે પૈસા લઇશ,ભાજપ સાંસદ

સાંસદ સુરેશ ગોપી અભિનેતામાંથી રાજકારણી બન્યા અને થ્રિસુર બેઠક જીતીને લોક્સભામાં પહોંચ્યા છે. ભાજપ માટે આ ઐતિહાસિક સફળતા હતી, કારણ કે પહેલીવાર કેરળમાંથી કોઈ વ્યક્તિ ભાજપની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચી હતી. ભાજપે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી બનાવ્યા છે, પરંતુ સુરેશ ગોપી હજુ પણ અભિનયના ખૂબ જ શોખીન છે. તેથી, જીતતાની સાથે જ તેણે જાહેરાત કરી કે તે ફિલ્મોમાં અભિનય કરવાનું ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ જે કંઈ કમાય છે, તેનો એક ભાગ લોકો અને સમાજના કલ્યાણ માટે ખર્ચ કરશે. આ કારણે લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે, પરંતુ હાલમાં જ તેણે એવું નિવેદન આપ્યું હતું, જેના પર સવાલો ઉઠવા લાગ્યા હતા.

સુરેશ ગોપીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારોની જેમ કાર્યક્રમોમાં જશે અને ઉદ્ઘાટનના કાર્યક્રમો માટે પૈસા પણ લેશે. તેમણે કહ્યું કે, હું જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાઉં તો એવું ન વિચારો કે હું સાંસદ તરીકે તેનું ઉદ્ઘાટન કરીશ. હું અભિનેતા તરીકે આવીશ. અન્ય લોકોની જેમ હું આ માટે પગાર લઈશ, જે રીતે મારા અન્ય સાથીદારો કરે છે, જો કે સુરેશ ગોપીએ પણ સ્પષ્ટ કર્યું છે કે, આમાંથી જે પણ પૈસા મળશે તે સંપૂર્ણ રીતે તેમના ટ્રસ્ટમાં જશે અને કલ્યાણ માટે ખર્ચવામાં આવશે અને લોકોના કામ કરવામાં આવશે.

સામાન્ય રીતે, જ્યારે કોઈ સાંસદ અથવા મંત્રી કોઈ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરે છે, ત્યારે પૈસાની કોઈ માંગ હોતી નથી. પરંતુ સુરેશ ગોપી પણ ફેમસ એક્ટર છે. તો શું તેઓ પણ આ ન કરી શકે? શું સાંસદ બીજી આવક મેળવી શકે છે? બંધારણમાં આ માટે શું નિયમ છે? ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બંધારણ અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧માં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, જે સાંસદો અને ધારાસભ્યોના વર્તનને નિયંત્રિત કરે છે.

બંધારણની કલમ ૧૦૨ જણાવે છે કે, કયા કાયદાના કારણે સાંસદને ગેરલાયક ઠેરવી શકાય છે. તે જ સમયે, કલમ ૧૯૧ જણાવે છે કે, ધારાસભ્યોને કયા કામ માટે અયોગ્ય ગણવામાં આવશે.