ફિફા વર્લ્ડ કપમાં મોરોક્કોને ૨-૦થી હરાવી સતત બીજીવાર ફ્રાન્સ ફાઇનલમાં પહોંચ્યું

  • હવે આર્જેન્ટિના સાથે મહામુકાબલો.

કતર,

ક્તરમાં ચાલી રહેલો ફૂટબોલનો મહાકુંભ હવે તેના અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે. ફિફા વર્લ્ડ કપમાં મોરોક્કોને હરાવીને સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી ગયું છે ફ્રાંસ. ફાંસે સેમીફાઈનલમાં રમાયેલી રોમાંચક મેચમાં મોરોક્કોને ૨-૦થી હરાવીને પોઈન્ટ ટેબલમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પહેલા ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮ જીત્યું હતું. ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતર્યું હતું. ફ્રાન્સે ચોથી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ફાઇનલમાં લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સામે ટકરાશે. ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફાઈનલ મેચ ૧૭ ડિસેમ્બરે રમાશે.

આ મેચ જીતીને ફ્રાન્સની ટીમે સતત બીજી વખત અને એકંદરે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ફ્રાન્સ ત્રણ વખત ફાઈનલ રમ્યું હતું અને તેણે ૧૯૯૮ અને ૨૦૧૮માં બે વખત ટાઈટલ જીત્યા હતા. જ્યારે ૨૦૦૬માં તે રનર્સ-અપ રહી હતી. ફ્રાન્સની ટીમ પણ બે વખત ત્રીજા નંબરે અને એકવાર ચોથા નંબર પર રહી છે. આ વખતે ફ્રાન્સની ટીમ કુલ સાતમી વખત ટોપ-૪માં પહોંચી છે. મેચની શરૂઆત સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. ફ્રાન્સ માટે થિયો હર્નાન્ડેઝે ૫મી મિનિટે ગોલ કરીને ૧-૦ની સરસાઈ અપાવી હતી. પ્રથમ હાફમાં ફ્રાન્સે ૯ વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી ૨ શોટ ટાર્ગેટ પર લાગ્યા હતા. જ્યારે મોરક્કોની ટીમે પ્રથમ હાફમાં ૫ વખત ગોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેમાંથી તેણે ટાર્ગેટ પર બે શોટ લગાવ્યા, પરંતુ ફ્રેન્ચ ગોલકીપર અને કેપ્ટન લોરિસે તેને નિષ્ફળ બનાવ્યો હતા.

ફ્રાન્સના થિયો હર્નાન્ડિઝે આ મેચનો પહેલો ગોલ પાંચમી મિનિટે કર્યો હતો. આ રીતે ફ્રાન્સની ટીમ ૧-૦થી આગળ રહી હતી. આ સાથે જ પ્રથમ હાફના અંત સુધી ફ્રાન્સની ટીમ ૧-૦થી આગળ હતી. ફ્રાન્સ માટે ડલ કોલો મુઆનીએ બીજો ગોલ કર્યો. તેણે આ ગોલ ૭૯મી મિનિટે કર્યો હતો. આ સાથે ફ્રાન્સ મેચમાં ૨-૦થી આગળ થઇ ગયુ હતું. જો કે, રેન્ડલ કોલો મુઆની અવેજી તરીકે મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તેણે માત્ર ૪૪ સેકન્ડ બાદ ગોલ કર્યો હતો. જોકે, ફ્રાન્સની ટીમે વધુ સારી રમત રમીને મેચ ૨-૦થી જીતી લીધી હતી. આ રીતે મોરોક્કોની હારથી આફ્રિકન અને આરબ દેશોનું સપનું ચકનાચૂર થઈ ગયું. મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે રમાશે.