ત્રિવેન્દ્રમ,
ક્તારમાં ૨૦૨૨ FIFA વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના વિજય બાદ કેરળમાં ઉજવણીએ અરાજક્તા તરફ વળાંક લીધો હતો. અહીં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર હિંસા થઈ હતી. કેટલાક અસામાજીક તત્વોએ પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, કન્નુરમાં એક વ્યક્તિને છરો મારવામાં આવ્યો હતો. હિંસામાં ઘણા ફૂટબોલ ચાહકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએથી હિંસા અને અથડામણની ઘટનાઓ સામે આવી છે.
અહેવાલ મુજબ, પોલીસ અધિકારીએ યુવકોને ઉજવણી માટે ટ્રાફિકને અવરોધિત ન થવા કહેતા કોચીના કાલૂરમાં એક સિવિલ પોલીસ અધિકારી પર ફૂટબોલ ચાહકોએ હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે, ફૂટબોલ ચાહકો આર્જેન્ટિનાની જીતની ઉજવણી કરતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યારે પોલીસ અધિકારીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેમના પર હુમલો કરવામાં આવ્યો અને રસ્તા પર ખેંચી પણ ગયા હતા.
કન્નુરમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઈનલ મેચ જોઈને ઘરે પરત ફરતી વખતે ૨૪ વર્ષના અનુરાગને પાંચ લોકોએ ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. પલીયામૂલા નેતાજી આર્ટસ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ પાસે મેચની સ્ક્રીનિંગ બાદ ઝઘડો થયો હતો, જ્યાં અનુરાગને છરો મારવામાં આવ્યો હતો. હુમલામાં અનુરાગ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની કન્નુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
તે જ સમયે, ત્રિવેન્દ્રમમાં પોલીસ અધિકારીઓને મારવાની ઘટના સામે આવી છે. પોઝિયુર સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટરને આ વિસ્તારમાં હંગામો મચાવતા નશામાં ધૂત જૂથને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી વખતે ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને ૪-૨થી હરાવ્યું હતું. વિશ્ર્વના અન્ય ભાગોમાંથી પણ હિંસાના અહેવાલો સામે આવ્યા છે.