સુરત, ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલી સુરતની સુમેરાના ઇન્ટ્રેગ્રેશન દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે, તેણી સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવાની હતી અને આ માટે જજ અને વકીલોની પણ રેકી કરી હતી. આ અહેવાલ બાદ ગતરોજ ડિસ્ટ્રીક્ટ જજ અને બાર એસો.ના હોદ્દેદારો વચ્ચે મિટિંગ મળી હતી. જેમાં કોર્ટ પરિસરમાં સુરક્ષા ઘેરો મજબૂત કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ સાથે જ મેટલ ડિટેક્ટર મૂકી દેવામાં આવ્યું છે અને કોર્ટમાં આજે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.થોડા દિવસ પહેલા ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતમાંથી આઈએસકેપી આતંકી સંગઠન સાથે જોડાયેલી સુમેરાની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં તે સુરતની કોર્ટમાં ફિદાયીન હુમલો કરવાની હોવાનો ખુલાસો કરાયો હતો. જેને પગલે સુરત કોર્ટમાં તાબડતોબ મેટલ ડિટેક્ટર મૂકી દેવાયુ હતું.
સુરત કોર્ટમાં હવે પોલીસ જવાનો પણ કેમ્પસમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે કોઇને પણ શંકાના આધારે ચેક કરી શકશે, પછી ભલે તે વકીલ કેમ ન હોય. હવે કોર્ટના મુખ્ય ગેટ પર બે હથિયારધારી પોલીસ કર્મી હાજર રહેશે.
આ ઉપરાંત મુખ્ય ગેટ પર હાલ એક મેટલ ડિરેક્ટર મૂકવામાં આવ્યું છે. જે વધારી બે મેટલ ડિટકટર મૂકવામાં આવશે અને પોલીસ જવાનો કેમ્પસમાં ઊભા રાખવામાં આવ્યા છે. જે વ્યક્તિ શંકાસ્પદ જણાઈ તેની પૂછપરછ કરવામાં આવશે, પછી તે વકીલ પણ કેમ ન હોય. તેણે પોતાનું ઓળખપત્ર આપવાનું-બતાવવાનું રહેશે.
આજે પોલીસના એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ ખાતે પહોચ્યો હતો. ડોગ અને બોમ્બ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ તો કંઈ શંકાસ્પદ મળ્યું નથી. જો કે, હવેથી કોર્ટની સુરક્ષમાં વધારો કરી દેવામાં આવ્યો છે.