ફેસબૂક ઉપર લાઇવ થઇને આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા મહારાષ્ટ્રના ધુલેના એક યુવકનો જીવ આયર્લેન્ડના ફેસબૂક અધિકારીઓએ બચાવ્યો છે. મળતી માહિતિ પ્રમાણે જ્યારે ધુલેનો યુવક લાઇવ આપઘાતનો પ્રયાસ કરતો હતો ત્યારે તે આયર્લેન્ડના ફેસબૂક ધિકારીઓની નજરમાં આવ્યો. ત્યારબાદ તેમણે તરત જ મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો અને વિગત જણવી. ત્યારબાદ પોલીસે ત્વરિત એક્શન લઇને યુવકનો જીવ બચાવી લીઘો છે.
એક અધિકારીએ જણાવ્યું કે 23 વર્ષિય યુવક ધુલે પોલીસ નીચેના હોમગાર્ડનો દીકરો છે. તેણે રવિવારે સાંજના સમયે પોતાના હાથની નસ કાપી અને તેને ફેસબૂક પર લાઇવ કરી દીધું. રવિવારે રાતે 8:10 કલાકે આયર્લેન્ડના ફેસબૂક અધિકારીઓનો ફોન મુંબઇની સાઇબર પોલીસ અધિકારી રશ્મિ કરનદિકર ઉપર આવ્યો. ત્યારબાદ માત્ર 25 મિનિટની અંદર જ પોલીસે યુવકની ભાળ મેળવી.
પોલીસે જણાવ્યું કે યુવક પુણેની ભાઇ સોસાયટીના એક મકાનમાં હતો અને ત્યાંથી આ કૃત્યને તેણે લાઇવ કર્યુ હતું. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને નાસિક રેન્જના ઉચ્ચ અધિકારીઓને પણ ઘટનાની જાણ કરવામાં આવી. રાતના લગભગ નવ કલાકે પોલીસ તે યુવકના ઘરે પહોંચી ગઇ. યુવકને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાંથી સોમવારે તેને રજા પણ આપી દેવામાં આવી છે. અત્યારે તે યુવકની કાઉન્સલિંગ કરવામાં આવી રહી છે. આ રીતે ફેસબૂકના કારણે એક યુવકનો જીવ બચી ગયો.