ફતેપુરા,
ફતેપુરા તાલુકામાં અકસ્માતે આગ લાગવાના બનાવોમાં વધારો થતો જતો હોવાનું જાણવા મળે છે.સ્થાનિક જગ્યાએ ફાયર ફાઈટરની વ્યવસ્થા ન હોય આગ લાગ્યા બાદ ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવતા ઝાલોદ અથવા સંતરામપુરથી ફાયર ફાઈટર જગ્યા ઉપર પહોંચે ત્યાં સુધીમાં લાગેલ આગમાં મકાન કે ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થઇ જતા હોવાના બનાવો બને છે. તેવી જ રીતે ગતરાત્રીના મોટાનટવા ગામે એક મકાનમાં લાગેલી આગે ત્રણ મકાનોને ઝપેટમાં લેતાં ત્રણ મકાનો સહિત ઘરવખરી સામાન,રોકડ,દાગીના વગેરે બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યુ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના મોટી જાંબુડી ફળિયા ખાતે રહેતા પગી નાનજીભાઈ વીરાભાઇ ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓના મકાનમાં ગતરોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગતા ઘઉં પાચ મણ,ચણા પંદર મણ,મકાઈ પાંચ મણ તથા રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- સહિત મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યું છે. જ્યારે તેમની બાજુમાં રહેતા તેમના પુત્ર પગી દિનેશભાઈ નાનજીભાઈના મકાનને પણ આગે ઝપેટમાં લેતાં તિજોરીમાં મુકેલ તિજોરી સહિત ૭૦ હજાર રૂપિયા રોકડા,ચાંદીના દાગીના ૭૦૦ ગ્રામ તથા સોનાના દાગીના, ટી.વી, પંખા સહીત ઘરનો તમામ સરસામાન તેમજ અનાજમાં ત્રીસ મણ ઘઉં સાત મણ અને પંદર મણ મકાઈ પણ આગમાં સ્વાહા થઇ જવા પામેલ છે. જ્યારે બાજુમાં આવેલ પગી અરવિંદભાઈ નાનજીભાઈના મકાનમાં પણ આગ પ્રસરી જતા ૯૦૦ ગ્રામ ચાંદીના દાગીના, અઢી તોલા સોનાના દાગીના સહિત રોકડ રૂપિયા એક લાખ ચાલીસ હજાર પણ આગમાં બળી જવા પામેલ છે.તે સહિત ઘરમાં રાખેલા અનાજમાં પાંચ મણ મકાઈ ઘઉં વીસ મણ તેમજ ટી.વી,પંખા, શોકેસ સહિત કપડાંલતા અને ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ બળી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
આમ,રોકડ,દાગીના,અનાજ, ઘરવખરી સામાન,કપડાલતા તેમજ મકાનના પાટ,જોતરા,બારી-દરવાજા વિગેરે પણ બળી જતા ત્રણ મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મકાનોમાં આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ જે દોઢ કલાક બાદ ફાયર ફાઈટર આવ્યું ત્યાં સુધીમાં મકાનો સહિત ઘરવખરી સરસામાન બળીને ખાખ થઇ જવા પામ્યું હોવાનું અને કંઈ બચ્યું ન હોવાનું જાણવા મળે છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી.