ફતેપુરાથી ઝાલોદ જતાં રસ્તા પર વલોન્ડી ગામે નાળુ બેસી જતાં હાલાકી

ફતેપુરાથી ઝાલોદ જતા વલોન્ડી ગામ પાસે નાળુ બેસી જતાં રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ફતેપુરાથી ઝાલોદ જવા માટે એક મુખ્ય રસ્તો હોવાના કારણે ફતેપુરાથી મોટી સંખ્યામાં લોકો ઝાલોદ-દાહોદ જવા માટે જતા હોય છે. ત્યારે ફતેપુરાથી એક જ કિ.મી.ના અંતરે વલોન્ડી ગામ નજીક નાળુ આવેલુ છે. આ નાળુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાના કારણે બેસી જતાં નાળાની ઉપર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે. જેના કારણે ટુ-વ્હિલર, ફોર વ્હિલર લઈને જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો આ નાળાના કારણે કયારેક મોટો અકસ્માત થવાની ભિતી સેવાઈ રહી છે. આ નાળાને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરીને લોકોને પડતી હાલાકીનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.