ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલી બહેનોને 15 વર્ષ બાદ પેન્શન માટે વલખા

ફતેપુરા,ફતેપુરામાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોેજેકટ ઓફિસનો વહીવટ વર્ષોથી કથળતો જઈ રહ્યો છે. જેના લીધે સરકારના આયોજન મુજબ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને મળવુ જોઈતુ શિક્ષણ અને પોૈષ્ટિક આહારનો અભાવ જોવા મળે છે. કેટલીક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સંચાલકની વર્ષોથી જગ્યા ખાલી હોય આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવતી કર્મચારી પાસે સંચાલિકાની ફરજ બજાવાઈ રહી છે.

કેટલીક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી તેડાગરની જગ્યા પણ ખાલી હોય ભરવામાં આવતી નથી. જેમાંય ખાસ કરી વર્ષો અગાઉ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ નિવૃત્ત વૃદ્ધાઓ વર્ષો વિતવા છતાં પેન્શન માટે વલખા મારતી હોવાનુ પણ જાણવા મળે છે. ફતેપુરા તાલુકા સીડીપીઓ કચેરીઓ વહીવટ સુધારવાની ખાસ જરૂરત હોય તેમ જણાય છે.

ફતેપુરા તાલુકા સીડીપીઓ કચેરી દ્વારા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં વર્ષો અગાઉ ફરજ બજાવી નિવૃત્ત થયેલી 40 જેટલી આંગણવાડી કર્મારીઓ બહેનો દ્વારા નિવૃત્ત થયા બાદ જે તે સમયે પેન્શન માટે જોઈતા તમામ ડોકયુમેન્ટ ફતેપુરા સીડીપીઓ કચેરીમાં આપ્યા બાદ પેન્શન મંજુર નહિ થતાં બીજી વાર ડોકયુમેન્ટની માંગણી કરતા તેની પણ પુર્તતા કર્યા પછી અને ત્યારબાદ આજદિન સુધી 10 થી 15 વર્ષ જેટલો સમય વિતવા છતાં પેન્શન મંજુર નહિ થતાં હાલ આંગણવાડીની નિવૃત્ત વૃદ્ધ મહિલાઓ ફતેપુરા કચેરીના ધકકા ખાઈ પેન્શન માટે વલખા મારી રહી છે. કચેરીના જવાબદારોને પુછતા તમારા ડોકયુમેન્ટની પુર્તતા કરો તેવા ઉડાઉ જવાબો આપી તેમજ નિવૃત્તિ બાદ પેન્શન મંજુર થયેલ નથી તેવા નિવૃત્ત બહેનોને યોગ્ય ન્યાય મળે તે બાબતે અમોએ ઉપલીકક્ષાએ જાણ કરેલી હોવાના જવાબો આપતા હોય નિવૃત્ત બહેનોને વર્ષો પછી પણ ન્યાય નહિ આપી અન્યાય કરી રહ્યા છે. જોકે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલી કેટલીક બહેનો હાલ વૃદ્ધ અને વિધવા છે. તેમજ કેટલીક બહેનો પોતાને મળવાપાત્ર પેન્શન મેળવતા પહેલા હાલ હયાત છે કે કેમ ? તે પણ એક પ્રશ્ર્ન છે.