ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

  • એક વર્ષ અગાઉ સુખસર ખાતે હાઇવે માર્ગ ઉપર નવીન પુલ બનાવવામાં આવ્યો હતો.
  • સુખસર ગામ માંથી પસાર થતા હાઇવે માર્ગ વચ્ચે બનાવવામાં આવેલ ડીવાઈન્ડરો પણ તૂટવાની શુભ શરૂઆત કરી ચૂક્યા છે!

ફતેપુરા તાલુકામાં કેટલાક જાહેર ડામર માર્ગો લાંબા સમયથી મરામતના અભાવે ખાડા ખાબોચિયા યુક્ત બની ચૂક્યા છે. જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચાલકો વાહન ઉપર બેસી ડિસ્કો કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે અને જેમાં કેટલીક વાર વાહનો સ્લીપ થવાના અને ટુ વ્હીલર જેવા વાહન પાછળ સવાર રોડ ઉપર પટકાવાના બનાવો સામાન્ય થઈ પડ્યા છે. જેથી વાહનોની આવરદા ઘટવાની સાથે વાહન ચાલકો અને તેમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેવી જ રીતે એક વર્ષ અગાઉ સુખસર થી પસાર થતા હાઇવેની મારમત કામગીરી સહિત સુખસર ખારી નદીના પુલ ઉપર નવીન બનાવવામાં આવેલ પુલમાં ખાડા પડતા તથા માર્ગની વચ્ચે બનાવવામાં આવેલ ડીવાઈન્ડર તૂટી જતા કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની ચાડી ખાતા અટ્ટહાસ્ય કરતા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરથી પસાર થતા હાઇવે માર્ગની એક વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સુખસર ખારી નદી ઉપર નવીન પુલ બનાવવામાં આવ્યો હતો. જે પુલ ચોમાસાના પહેલા વરસાદે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી કરી દીધી છે.તેમાં સુખસર ગામથી પસાર થતા હાઇવે માર્ગની વચ્ચે ડીવાઈન્ડર બનાવવામાં આવ્યા હતા. આ ડિવાઇન્ડર તૂટી જવા પામ્યા છે.જ્યારે ખારી નદી ઉપર બનાવવામાં આવેલ નવીન પુલ વચ્ચે ખાડા પડી જતાં ભારધારી વાહનો તથા ટુ વ્હીલર વાહનો આ ખાડામાં પડે તો વાહન અકસ્માત થવાનો ભય પણ વધી ગયો છે. જેથી વહેલી તકે આ પુલની મરામત કામગીરી કરવામાં આવે અને તૂટી ગયેલ ડિવાઈન્ડરને નવેસરથી બનાવવામાં આવે તે જરૂરી જણાય છે.

અહીંયા જણાવવું જરૂરી છે કે, જ્યારે સુખસર થી પસાર થતાં હાઇવે માર્ગની નવીનીકરણ કામગીરી ચાલુ હતી.તેવા સમયે સ્થાનિક પત્રકારોએ અનેકવાર દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો આપી વહીવટી તંત્ર સહિત સ્થાનિક આગેવાનોને વાકેફ કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ માર્ગની કામગીરી બાબતે સૌ કોઈએ આંખ આડા કાન કર્યા હતા અને હાલમાં ડિવાઇન્ડર તથા ખારી નદીના પુલને પ્રત્યક્ષ જોતા પરિણામ જોવા મળી રહ્યું છે!