ફતેપુરા તાલુકાના સુખસરથી રાવળથી વરૂણા જતાં નવીન માર્ગની સાઈડ પુરાણને અભાવે મહિનામાં તુટી જવાની શરૂઆત

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે નવીન રસ્તાઓની કામગીરી કરવામાં આવે છે. તે પૈકી કેટલાક રસ્તાઓમાં કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કામગીરી કરી સરકારી તંત્રને પણ ધોળીને પી જતા હોય તેમ કામગીરી કરતા હોવાનું જાણવા મળે છે. તેમાં ગત ત્રણેક માસ અગાઉ સુખસર ખારી નદીના પુલથી રાવળના વરૂણા ખાતે જતો એક કિ.મી ના માર્ગ માટે ગ્રામજનોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા રસ્તાને ડામર કરવામાં આવ્યો છે.પરંતુ મહિનાઓ વિતવા છતાં રસ્તાની સાઈડ પુરાણ નહીં થતાં આ રસ્તો સાઈડો માંથી તૂટી રહ્યો છે. ત્યારે આ રસ્તાની સાઇડો તાત્કાલિક પુરાણ કરવી આવશ્યક છે. જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખારી નદીના પુલથી રાવળના વરૂણા જતો આશરે એક કિ.મી.ના નવીન ડામર રસ્તાની ગત ત્રણેક માસ અગાઉ કામગીરી કરવામાં આવેલ છે. જેથી નાના-મોટા વાહન ચાલકો તથા રાહદારીઓને આ રસ્તા ઉપર થી સુખસરમાં આવવા જવા રાહત થઈ છે અને આ રસ્તાથી અવર જવર કરતા લોકોમાં ખુશી પણ જોવા મળે છે. પરંતુ આ રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ મહિનાઓ વિતવા છતાં તેની સાઇડ પુરાણ કરવામાં નહીં આવતા હાલ આ રસ્તો સાઈડોમાંથી તૂટી રહ્યો છે. જો આ રસ્તાની વહેલી તકે સાઇડ પુરાણ કરવામાં નહીં આવે તો થોડાક જ મહિનાઓમાં રસ્તાની હાલત ખંડેર થઈ જશે તેમ પણ ચર્ચા થતી હોવાનું સાંભળવા મળે છે. ત્યારે સુખસર ખારીનદીના પુલથી રાવળના વરૂણા ખાતે જતા નવીન માર્ગની સાઈડોમાં પુરાણ કરી તૂટતા જતા રસ્તાને બચાવવા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠવા પામેલ છે.