ફતેપુરા તાલુકાના સુખસરથી નાની ઢઢેલી જતો માર્ગ બિસ્માર: રીકાર્પેટીંગ કરવા વાહન ચાલકો સહિત મુસાફરોની માંગ

  • સુખસરથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતા અનેક રસ્તાઓ રીકાર્પેટીંગ માંગી રહ્યા છે.
  • ફતેપુરા તાલુકામાં નવીન રસ્તાઓની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરી પ્રત્યે તંત્ર દ્વારા ચાંપતી નજર જરૂરી છે.
  • ઘાણીખૂટ થી ગરાડુ જતા આઠ કિ.મી માર્ગની એક વર્ષ થવા છતાં સાડા ત્રણ કિ.મી જેટલા માર્ગની કામગીરી અધૂરી!!?

ફતેપુરા,ફતેપુરા તાલુકામાં સુખસર થી ગ્રામ્ય વિસ્તારો તરફ જતા કેટલાક રસ્તાઓ રીકાર્પેટીંગ માંગી રહ્યા છે. ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા તે પ્રત્યે ધ્યાન આપી ચોમાસા પહેલા આ રસ્તાઓનું મરામત કામ હાથ ધરવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે. જેમાં સુખસર થી નાની ઢઢેલી થઈ ઢઢેલા જતો અને ફતેપુરા ઝાલોદ ને જોડતો માર્ગ લાંબા સમયથી ઉબડ ખાબડ થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે અને આ રસ્તાની રીકાર્પેટીંગની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત મુસાફરોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે. તેમજ ઘાણીખૂટથી ગરાડુ જતા માર્ગની છેલ્લા એક વર્ષ ઉપરાંત થી કામગીરી ચાલી રહી છે. છતાં આઠ કિલોમીટરનો માર્ગ આજ દિન સુધી પૂર્ણ થઈ શક્યો નથી.જેની કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવે તેવી જનતાની માંગ ઉઠી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરથી નાની ઢઢેલી ભિતોડી થઈ ઢઢેલા સુધીનો આશરે 8 કિલોમીટર જેટલો માર્ગ લાંબા સમયથી અનેક જગ્યાએ તૂટી જવા પામેલ છે. જેના લીધે વાહન ચાલકો,મુસાફર જનતા તથા રાહદારી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વાહન ચાલકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે. તેમજ મુસાફર જનતા શારીરિક સમસ્યાનો ભોગ બની રહી છે. ત્યારે આ રસ્તાની કામગીરી વહેલી તકે હાથ ધરી રીકાર્પેટીંગ કરવા વાહન ચાલકો સહિત મુસાફર જનતાની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

અહીંયા જણાવવું જરૂરી છે કે, ચોમાસુ આગમનનો સમય પણ નજીક આવી રહ્યો છે અને ચોમાસા પહેલા આ રસ્તાની રીકાર્પેટિંગની કામગીરી થઈ જવી જરૂરી છે. નહીં તો ચોમાસામાં આ ઉબડ ખાબડ રસ્તામાં પાણીનો ભરાવો થશે અને તેના લીધે રસ્તો વધુ તૂટશે સાથે-સાથે વાહન અકસ્માત તથા વાહન સ્લીપ થવાના બનાવો વધવાની શક્યતા પણ નકારી શકાતી નથી. ત્યારે સુખસરથી નાની ઢઢેલી સુધીના માર્ગની રીકાર્પેટીંગની કામગીરી સમયસર ચાલુ કરી વાહન ચાલકો સહિત મુસાફર જનતાને પડતી હાલાકી દુર કરવામાં આવે તેમજ આ રસ્તાની સાઈડમાં ફૂટી નીકળેલા ગાંડા બાવળના ઝુંડ દૂર કરી રસ્તાની સાઈડો સાફ કરવામાં આવે તો આવનાર સમયમાં આ ગાંડા બાવળના વૃક્ષોના કારણે ભવિષ્યમાં સર્જાનાર અકસ્માતો નિવારવા ધ્યાન આપવામાં આવે આવશ્યક જણાય છે.

બોકસ: ઘાણીખુટથી ગરાડુ જતા 8 કિ.મી.રસ્તા પૈકી સાડા ત્રણ કિલોમીટર રસ્તો બનાવવા રાહ કોની જોવાય છે.?

ફતેપુરા તાલુકાના ઘાણીખૂટ થી નાના-મોટા બોરીદા, કાળીયા, ઘાટાવાડા થઈ ગરાડુ સુધી ફતેપુરા-ઝાલોદ માર્ગને જોડતા દ્વિ માર્ગીય આઠ કિલોમીટર માર્ગની ગત એક વર્ષ અગાઉ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેની ઘાણીખૂટ થી કાળીયા સુધી સાડા ચાર કિલોમીટર જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારબાદ કાળીયા થી ગરાડુ સુધીના સાડા ત્રણ કિલો મીટરની કામગીરી સાઈડ પુરાણ કર્યા બાદ એક વર્ષ જેટલો સમય વિતવા છતાં આજદિન સુધી હાથ ધરાતી નથી. જો આ આઠ કિલોમીટરનો માર્ગ તૈયાર થઈ જાય તો આ માર્ગ રાજસ્થાન તરફથી અવર-જવર કરતા વાહન ચાલકો માટે શોર્ટકટ રસ્તો મળી રહે તેમ છે. પરંતુ આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માટે કોની રાહ જોવાય છે? તે એક સળગતો સવાલ છે.