ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં માથું ઊંચકી રહેલા તસ્કરો:કંથાગર માં બંધ મકાન તથા મકવાણા વરૂણામાં શાળાના તાળા તોડી 4.80 લાખ ઉપરાંતની તસ્કરી કરી જતા તસ્કરો

  • કંથાગરમાં નિવૃત શિક્ષકના બંધ મકાનનાં તાળાં તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી 4.50 લાખની ચોરી.
  • નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરૂણા ખાતે આવેલ શાળાના તાળાં તોડી સીસીટીવીની તોડફોડ તથા પંખાઓની ચોરી થતા 30,000 હજાર ઉપરાંતનું નુકસાન.

ફતેપુરા, ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અવાર-નવાર બંધ મકાનોને નિશાન બનાવી જાણભેદુ તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી જવાના છેલ્લા એક વર્ષમાં અનેક બનાવો બની ચૂકેલા છે. જે પૈકી પોલીસ એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી. જ્યારે હાલ વધુ બે બનાવોમા કંથાગર ગામે નિવૃત્ત શિક્ષકના બંધ મકાનના તાળા તોડી તથા મકવાણાના વરૂણા ગામે શાળાના તાળા તોડી ચોર લોકો પોતાનો કસબ અજમાવી લાખો રૂપિયાની ચોરી કરી ગયા હોવાના બનાવ સુખસર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના મોહનલાલ ભગાભાઈ મછાર 29 જુલાઈ-2023 ના રોજ બપોરના સમયે તેમના ઘરને તાળાં મારી વડોદરા કામ અર્થે ગયેલ હતા. ત્યારે સાંજના મોડું થઈ જતા ત્યાં સંબંધીને ત્યાં રોકાઈ ગયા હતા.જ્યારે રાત્રિના સમયે જાણભેદુ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી આગળના દરવાજાને મારેલ તાળાંના હુક કાપી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલ તિજોરી, કબાટના તાળાં તોડી અંદર મુકેલો સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો.અને તિજોરીમાં મુકેલા બે તોલા સોનાનું ડોકિયું અંદાજે 70 હજાર રૂપિયા, પાંચ સોનાની વીંટી 52,500 રૂપિયા, છ જોડ કાનની બુટ્ટી 52,500 રૂપિયા, એક જોડ કાનની કડી 17500 રૂપિયા, ચાંદીનું ભોરીયુ 5000 રૂપિયા,10 ચાંદીના સિક્કા 5000 રૂપિયા,ચાંદીના બે જોડ કંદોરા 25,500 રૂપિયા, ચાંદીના અંકોડાના ચાર નંગ 10,000 રૂપિયા,ચાંદીના છડા ચાર જોડ 12,000 રૂપિયા તથા રોકડ 200,000રૂપિયા મળી કુલ રૂપિયા 4,50,000 ની ચોરી કરી ચોર લોકો ફરાર થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત ચોરી બાબતે મોહનલાલ ભગાભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર લોકોની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

જ્યારે ચોરીનો બીજો બનાવ 31 જુલાઈ-2023 ના રોજ રાત્રિના બનવા પામેલ છે.તેમાં સુખસર પાસે આવેલ મકવાણાના વરૂણા ખાતે નાલંદા પબ્લિક સ્કૂલના ઉપરના માળના વર્ગખંડના તસ્કરોએ તાળાં તોડી શાળામાં પ્રવેશી સીસીટીવી કેમેરાની તોડફોડ કરી સાત જેટલા સીલીંગ ફેન તથા એક દિવાલ પંખાની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે. સાથે બે સીલીંગ પંખાઓની તોડફોડ કરી ચોર લોકો પલાયન થઇ જવા પામ્યા છે. સીસીટીવી કેમેરાની તોડફોડ,પંખાઓની ચોરી તથા તોડફોડ મળી કુલ 30,500 રૂપિયા ઉપરાંતનું શાળાને નુકસાન પહોંચવા પામેલ હોવા બાબતે શાળાના આચાર્ય નીરૂબેન.બી. બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા સુખસર પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,સુખસર ખાતે છેલ્લા એક વર્ષમાં બંધ મકાનોને નિશાન બનાવી જાણભેદુ તસ્કરોએ સુખસર બસ સ્ટેશન વિસ્તાર, સુખસરના સંતરામપુર રોડ સોસાયટી સહિત સુખસર પોલીસ સ્ટેશનની નજીક માંથી લાખો રૂપિયાના સોના- ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ ચૂકેલી છે. પરંતુ આ તમામ ચોરીઓ પૈકી એક પણ ચોરીનો આજ દિન સુધી સુખસર પોલીસ ભેદ ઉકેલી શકી નથી અને વધુને વધુ બંધ મકાનોને નિશાન બનાવી તસ્કર લોકો ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે પંથકની પ્રજામાં ફફડાટ ફેલાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.