ફતેપુરા, ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુખસર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધ્યક્ષના હસ્તે વૃક્ષારોપણ બાદ લોકફાળા થી પોલીસ સ્ટેશનના નવીન બાંધકામના ઓરડાઓનું રીબીન કાપી લોકાર્પણ કર્યા બાદ વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને સુખસર આઈ.ટી.આઈ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જે-તે પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીવર્ગ, નોકરિયાત વર્ગ, ખેડૂતવર્ગ તથા શ્રમિકવર્ગના લોકોએ હાજર રહી પંથકમાં કાયદાકીય રીતે પડતી મુશ્કેલીની રજૂઆત કરી મુશ્કેલીઓને સુલજાવવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે.જેમાં સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 45 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આ લોક દરબારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોની પ્રજા બિલકુલ અજાણ રહી હતી.અને માત્ર સુખસર ગામના આંગળીના વેઢે ગણી શકાય તેટલા યુવાનો હાજર રહ્યા હતા.!
આજરોજ યોજવામાં આવેલ લોક દરબાર કાર્યક્રમમાં વેપારી, નોકરીયાત, ખેડૂત તથા શ્રમિક વર્ગના સહિત સામાજિક અગ્રણીઓ કે રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી ન હતી. પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા વિસ્તારનો પોલીસને લગતો જે પણ પ્રશ્ન હોય તેની રજૂઆત કરવા જણાવતા મકવાણાના વરૂણાના ભરતભાઈ મકવાણાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ સુખસર પોલીસ સ્ટેશનની નજીકમાં જ લાખો રૂપિયાની ચોરી કરી જનાર તસ્કરોને વહેલી તકે ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવતા પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તસ્કરોનું પગેરૂ મેળવવાની પોલીસની સક્રિયતા ગતિમાન છે. અને તસ્કરોને વહેલી તકે ઝડપી કાયદાના હવાલે સોંપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી, હોમગાર્ડ તથા પોલીસ જવાનો સાથે સંવાદ કર્યો હતો.અને કાયદાકીય બાબતો અને પોલીસની સક્રિયતા વિશે સમજ આપવામાં આવી હતી. અને લોકદરબારની સમાપ્તિ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ અધિક્ષક બલરામ મીણા સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં આવી પહોંચ્યાહતા. જ્યાં તેઓએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત વેપારી વર્ગના ફાળા દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં પહેલા માળે નવીન બનાવેલા ઓરડાઓ તેમજ રિનોવેશન કરવામાં આવેલ પી.એસ.આઇ. ચેમ્બરનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
સુખસર પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલ લોક દરબારમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ઝાલોદ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક ડી. આર.પટેલ,ઝાલોદ વિભાગ સી.પી.આઈ. એમ.કે.ખાટ, સુખસર પી.એસ.આઇ. મિતલબેન કે. પટેલ તેમજ સુખસર પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત મોટી સંખ્યામાં જીઆરડી, હોમગાર્ડના જવાનો હાજર રહ્યા હતા.