ફતેપુરા તાલુકાના સુખસર થી જવેસી જતો માર્ગ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થવાના અણસાર

  • સુખસરથી વાંકાનેર, મારગાળા,પાટડીયા થઈ જવેસી જતા 10 કિ.મી માર્ગના રીપેરીંગ કામ માટે તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ.
  • સુખસર થી જવેસી જતા માર્ગ ઉપરથી વિસ્તારના મુખ્ય રાજકીય આગેવાનો નિયમિત અપ ડાઉન કરતા હોવા છતાં રસ્તાની હાલત બિસ્માર..!

ફતેપુરા, ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા અનેક રસ્તાઓ વર્ષો આગાઉ ડામર કરવામાં આવ્યા હતા. જે રસ્તાઓ હાલ ઉબડ ખાબડ થઈ જતાં વાહન ચાલકો માટે ખતરારૂપ જણાતા હોવા છતાં લાગતા- વળગતા તંત્ર સહિત સ્થાનિકોની લાપરવાહીથી આવા રસ્તાઓની રીપેરીંગ કામગીરી કરવા માટે ધ્યાન આપવામાં આવતું નથી.જેના લીધે અકસ્માત બનાવો વધતા જઈ રહ્યા છે. તેવી જ રીતે સુખસરથી જવેસી જતા માર્ગ ઉપર અનેક જગ્યા ઉપર ખાડાઓ પડી ચૂક્યા હોવા છતાં તેની રીપેરીંગ કામગીરી હાથ નહીં ધરાતાં હાલ ચોમાસા જેવા સમયમાં વાહનો સ્લીપ થવાના બનાવો બનતા વાહન ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થાય તેવા અણસાર જણાઇ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર મારગાળા ક્રોસિંગ થી મકવાણાના વરૂણા, વાંકાનેર, મારગાળા,પાટડીયા થઈ જવેસી જતો 10 કિલોમીટરનો મુખ્ય માર્ગ અનેક ગામડાઓને સંલગ્ન છે અને દિવસે સેકડો નાના-મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. તેમજ આ માર્ગ ઉપરથી આ વિસ્તારના મુખ્ય રાજકીય આગેવાનો પણ નિયમિત અવર-જવર કરતા હોવા છતાં રસ્તાની બિસ્માર હાલતને સુધારવા માટે ધ્યાન આપવામાં આવતું નહીં હોવાનુ સ્થાનિક લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

જોકે, આ માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળે છે અને જેના લીધે વાહન ચાલકોના વાહનો સ્લીપ થવાથી વાહનચાલકોને શારીરિક ઈજાઓ પહોંચવાના બનાવો પણ અવાર-નવાર બનતા રહે છે. જ્યારે હાલમાં ચોમાસાનો સમય હોય રસ્તામાં પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા અજાણ્યા વાહન ચાલકો આ રસ્તા ઉપર થી પસાર થતાં વાહનો સ્લીપ થવાના અને શારીરિક ઇજાઓના શિકાર બનવાના બનાવો વધવાના સ્પષ્ટ સંકેત જણાઈ રહ્યા છે. ત્યારે આ રસ્તા પ્રત્યે લાગતા-વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત વાહન ચાલકોની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.