- યુવાન ઘરેથી આસપુર દુકાને જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યો હતો.
- રૂપાખેડાથી આસપુર જતા માર્ગ ઉપર આસપુર નદીના પુલ ઉપર ખાડાના લીધે મોટરસાયકલ ઉપરથી બેલેન્સ ગુમાવતા યુવાન તણાયો હોવાનું અનુમાન.
ફતેપુરા,ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના 44 વર્ષીય યુવાન સોમવાર સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોટર સાયકલ ઉપર ઘરેથી આસપુર દુકાને જવા નીકળ્યો હતો. તે દરમિયાન રૂપાખેડાથી આસપુર જતા માર્ગ ઉપર આવેલ નદીના પુલ ઉપરથી પસાર થતા સમયે પુલ ઉપર ખાડા હોઇ મોટરસાયકલ ખાડામાં પડતા યુવાને મોટરસાયકલ ઉપરથી બેલેન્સ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ મારી ગઈ હતી. જ્યારે આ યુવાન નદીના પાણીમાં તણાઈ ગયો હતો. જેની આસપાસના લોકોને જાણ થતા વહીવટી તંત્રોને જાણ કરાતાં તાત્કાલિક સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા મામલતદાર તેમજ બચાવ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ રાત્રિના બાર વાગ્યા સુધી પાણીમાં ગરકાવ થયેલા યુવાનની શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી નહતી. જ્યારે આજરોજ સવારના મૃતક યુવાનની લાશ પાણી ઉપર તરતા મળી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે રહેતા રમણભાઈ સોમાભાઈ માલીવાડ (ઉ.વ.44) નાઓ ગતરોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ઘરેથી મોટરસાયકલ લઈ આસપુર દુકાને જવા નીકળ્યા હતા.તે દરમિયાન રૂપાખેડા આસપુર ગામ વચ્ચે આવેલ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુલ ઉપરથી પાણી વહી રહ્યું હતું અને આ પુલ પસાર કરવા જતા રમણભાઈના કબજાની મોટરસાયકલ પુલ ઉપર પડેલા ખાડામાં પડતાં ગાડી ઉપરથી બેલેન્સ ગુમાવતા રમણભાઈ માલીવાડ વહી રહેલા પાણીમાં પડ્યા હતા અને મોટરસાયકલ પુલ ઉપર જ ફસાઈ ગઈ હતી.જ્યારે રમણભાઈ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેની જાણ થતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ ફતેપુરા મામલતદાર તેમજ રેસક્યુ તેમને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા અને રાત્રિના બાર વાગ્યા સુધી પાણીમાં ગરકાવ થયેલા રમણભાઈ માલીવાડની શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આજરોજ વહેલી સવારના પણ સુખસર પોલીસ, ફતેપુરા મામલતદાર સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાણીમાં ગરકાવ થયેલા રમણભાઈ માલીવાડની પુલથી 100 મીટર જેટલા અંતરે પાણીમાં તરતી લાશ જોવા મળી હતી. ત્યારે પરિવારમાં શોકના મોજા સાથે રોકકળ મચી જવા પામી હતી.
ઉપરોક્ત ઘટના સંબંધે સુખસર પોલીસે લાશનો કબજો મેળવી પી.એમ. માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી હતી. પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.