ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વમાં બે બાળકો સાથે માતાએ અગમ્ય કારણોસર કૂવામાં મોતનો ભૂસ્કો મારતા ત્રણેયના મોત

  • આજરોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં ખેતરમાં જવાનું કહીને એક ચાર વર્ષની પુત્રી તથા બે વર્ષના પુત્ર સાથે નીકળેલી માતાએ કુવામાં મોતની છલાંગ લગાવી.
  • પાણી ભરેલા ઊંડા કૂવા માંથી ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશોને બહાર કઢાઈ.

ફતેપુરા,

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં દિન-પ્રતિદિન ચિત્ર વિચિત્ર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તેમાં વધુ એક બનાવ આજરોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામે ખેતરમાં જવાનું કહી બે સંતાનો સાથે નીકળેલી માતાએ કોઈ અગમ્ય કારણોસર પાણી ભરેલા ઊંડા કૂવામાં મોતનો ભૂસકો લગાવતા બે સંતાનો સહિત માતાનું મોત નીપજતા પંથકમાં હાહાકાર સાથે પરિવારમાં રોકકળ મચી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામના મંદિર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ માનસિંગભાઈ મછારના લગ્ન પાંચેક વર્ષ અગાઉ રાજસ્થાન આનંદપુરીના ચીખલી ગામે કવિતાબેન સાથે સમાજના રિવાજ મુજબ થયેલ હતા.અને હાલમાં આ દંપતીને સંતાનમાં એક પુત્ર નામે પ્રિયાંશ કલ્પેશભાઈ મછાર ઉ.વ.2 તથા એક પુત્રી નામે પ્રિયાબેન કલ્પેશભાઈ મછાર ઉ.વ.4 હતા.અને બાળકો સાથે કલ્પેશભાઈ તથા કવિતાબેનનો ઘર સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો.

જ્યારે આજરોજ કવિતાબેન ઘરેથી બપોરના 12:00 વાગ્યાના અરસામાં ખેતરમાં જવાનું કહીને બે બાળકો સાથે નીકળ્યા હતા અને ઘરથી 500 મીટર દૂર આવેલા કુવામાં આ બંને બાળકો સાથે કવિતાબેને મોતનો ભુસકો માર્યો હતો. જેની જાણ કુવાથી થોડે દૂર ખેતરમાં કામ કરતી જેઠાણીને કુવાના કિનાર પાસે કવિતાબેનના ચપ્પલ જોતા અને પ્રિયાંશ પાણીની ઉપર દેખાઈ આવતા તાત્કાલિક ઘરે જઈ ઘરના સભ્યોને વાત કરી હતી. ત્યારે ઘરના સભ્યો તાત્કાલિક કુવા ઉપર દોડી આવ્યા હતા અને કુવામાં જોતા પ્રિયાંશ મોટરની પાઇપ ઉપર જણાઈ આવ્યો હતો. જ્યારે કવિતાબેન તથા પ્રિયાબેન નજરે પડ્યા ન હતા. તેમજ કુવામાં વધુ પાણી હોય તાત્કાલિક ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાંથી ફાયર ફાઈટર તથા સુખસર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધી કવિતાબેન તથા પ્રિયાબેનનું પ્રાણ પખેરૂ ઉડી જવા પામ્યું હતું.જ્યારે પ્રિયાંશને ધબકારા ચાલુ જણાતા તાત્કાલિક સંતરામપુર દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ પ્રિયાંશ નું પણ મોત નીપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે. બે સંતાનોની માતાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે આ લખાય છે, ત્યાં સુધી જાણવા મળ્યું નથી.

ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોત નીપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોવાનો અહેસાસ કરી રહ્યા છે.અને રોકકળ મચી જવા પામી હતી. બનાવની જાણ સુખસર પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામા બાદ ત્રણેય લાશનો કબજો મેળવી મૃતક માતા સહિત બે સંતાનોની લાશોને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.