ફતેપુરા તાલુકાના નાની ઢઢેલીમાં વસંત પંચમી નિમિત્તે તિથિ ભોજન જ્યારે ભીતોડી પ્રાથમિક શાળામાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી

  • નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરૂણા ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી.

ફતેપુરા, ફતેપુરા તાલુકાની નાની ઢઢેલી પ્રાથમિક શાળામાં ગામના આગેવાન દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. જ્યારે ભિતોડી પ્રાથમિક શાળામાં વસંત પંચમીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સૌપ્રથમ ભિતોડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌને વસંત પંચમીના તહેવાર વિષે માહિતી આપવામાં આવી હતી.આજનો દિવસ માતા સરસ્વતીનો પ્રાગટ્યનો દિવસ છે. સાથે-સાથે વસંત ઋતુનો આરંભ પણ થાય છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આંબા ઉપર મંજરી મહેકે છે. જુવાર અને ઘઉંની ઉંબીઓ વિકસિત થાય છે. રંગબેરંગી પતંગિયાઓ ઉડે છે. ભમરા ઓનો ગુંજારવ સંભળાય છે. આમ પ્રકૃતિનો કણ કણ ખીલી ઉઠે છે.પ્રાણી માત્ર માં ઉલ્લાસ અને ઉમંગ જોવા મળે છે. જેવી જાણકારી આપવામાં આવી હતી. શાળા એટલે સરસ્વતીનું મંદિર અને વિદ્યાની દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી.અને જો શાળામાં વસંત પંચમી ઉજવણી ન થાય તો કેમ ચાલે?જેના ભાગરૂપે શાળામાં બાળકોએ ર્માં સરસ્વતીને પગે લાગી સાચા અર્થમાં આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યારબાદ વકૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો. પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે તમામને વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલ ઉઠે છે. તેમ દરેકે સારા કાર્ય કરીને એકબીજાને મદદ કરીને આપના માં રહેલી કળાની ઓળખ કરીને ખીલવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આમ, ખૂબ સુંદર રીતે વસંત પંચમીને ઉજવણી શાળા દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે નાની ઢઢેલી પ્રાથમિક શાળા ખાતે ગામના આગેવાન દેવચંદભાઈ ખાનાભાઈ પરમાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા 528 બાળકોને વસંત પંચમીના માતા સરસ્વતીના પ્રાગટ્યોત્સવના પવિત્ર દિવસે તિથી ભોજન કરાવવામાં આવ્યું હતું. શાળા પરિવારે દેવચંદભાઈ પરમાર તથા તેમના પરિવારનો આભાર માન્યો હતો.

તેવી જ રીતે આજરોજ વસંત પંચમીના પર્વ નિમિત્તે નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરૂણા ખાતે વસંત પંચમીની શાળાના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અને વસંત પંચમી તથા માતા સરસ્વતીના પ્રાગટ્યના પવિત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે શાળા પરિવાર દ્વારા પુલવામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.