- આ પ્રમાણસર દહેજની રકમ તથા સોના,ચાંદીના દાગીના ઉપર મર્યાદિત પ્રમાણ નક્કી કરી ડી.જે. તથા દારૂ સદંતર બંધ કરવામાં આવ્યો.
ફતેપુરા, આદિવાસી સમાજમાં થોડા વર્ષોથી રિવાજોના નામે ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં વર પક્ષ તરફથી ક્ધયા પક્ષને દહેજ પેટે ઉંચી રકમ તથા અપ્રમાણસર સોના, ચાંદીના દાગીના આપ્યા બાદ લગ્ન સંભવિત બનતા હતા. ત્યારે આદિવાસી સમાજ ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ કરી આધોગતિ તરફ ધકેલાઈ રહ્યો હતો. ત્યારે બિરસા મુંડા ભવન દાહોદ ભીલ સમુદાયની આગેવાની હેઠળ પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજના સ્થાનિક આગેવાનોની આગેવાની હેઠળ ગામના સ્થાનિક લોકો સાથે મિટિંગોનું આયોજન કરી લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરી મર્યાદિત ખર્ચ કરવા આજરોજ મોટા કાળીયા ગામે આદિવાસી સમાજના સ્થાનિક ગ્રામજનોએ મિટિંગનું આયોજન કરી મર્યાદિત ખર્ચ તથા દાગીના રાખવા તેમજ દારૂ તથા ડી.જે સદંતર બંધ કરવા ઠરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટા કાળીયા ગામે ગામના આગેવાનો સાથે આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપવા ગ્રામજનોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તમામ નાગરિકોની હાજરીમાં ઠરાવવામાં આવ્યું હતું કે, સમાજની અભણ દીકરીના લગ્ન માટે વર પક્ષ પાસેથી ખર્ચ પેટે રૂપિયા 1,51101/-તથા ત્રણ તોલા સોનાના દાગીના તેમજ પાંચસો ગ્રામ ચાંદી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે નોકરીયાત ક્ધયાના લગ્નના ખર્ચ માટે 2,25551/-જ્યારે દાગીનામાં પાંચસો ગ્રામ ચાંદી તથા સાત તોલા સોનું ઠરાવવામાં આવેલ છે. કદાચ ગામની આદિવાસી સમાજની ક્ધયા ભાગી જાય તો ભગાવી જનાર વ્યક્તિ પાસેથી રૂપિયા 2,25000/-હજાર દંડ વસૂલાત કરવા પણ ઠરાવ કરવામાં આવ્યું છે. તેમજ એક પત્ની હયાત હોવા છતાં બીજી પત્ની લાવશે તેવા વ્યક્તિને રૂપિયા 1,11,000/- નો દંડ ફટકારવા પણ ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ દારૂ તથા ડી.જે સદંતર બંધ કરવામાં આવેલ છે.
અગર જો કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં ડી.જે. લાવશે તો તેને એકાવન હજાર રૂપિયા દંડ કરવામાં આવશે તેમજ છૂટાછેડા થાય અને તેમાં કોઈ એક પક્ષ અંગત કારણોસર છુટાછેડા આપશે ત્યારે તેમાં જે પક્ષનો વાક હશે તેને રૂપિયા 500000/-લાખ દંડ કરવાનું પણ ઠરાવવામાં આવ્યું છે. ત્યારે લગ્ન પ્રસંગમાં કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં આવી ઝઘડો તકરાર કરશે તેવા વ્યક્તિને રૂપિયા અગ્યાર હજાર દંડ ફટકારવાનું પણ ઠરાવવામાં આવ્યું છે. તેમજ લગ્ન પ્રસંગ તથા વાસ્તા પૂજનમાં દાળ, ભાત, કંસાર અથવા કળીનું ભોજન રાખવા નક્કી કરવામાં આવેલ છે. જ્યારે લગ્ન પ્રસંગમાં સાદો ઢોલ લાવવો અને તેમાં રૂપિયા 3500/- સુધી ખર્ચ કરવા જણાવાયુ છે. તેમજ વાર બકરીનો રિવાજ સદંતર બંધ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.