- હત્યારાઓમાં એક ફતેપુરા તાલુકાના સાગડાપાડાનો જ્યારે બીજો આરોપી રાજસ્થાના ગાંગડ તલાઇ તાલુકાના ગણેશપુતરા ગામનો છે.
ફતેપુરા, ફતેપુરા તાલુકાના મારગાળા ગામના શ્રમિક લોકો ગત પચ્ચીસેક દિવસ અગાઉ વિજાપુર તાલુકાના હસ્નાપૂર ખાતે ઘઉં કાપવાની મજૂરી કામે ગયેલ હતા. જ્યાં મજૂરી કામના નાણાંની લેવડદેવડ બાબતે બોલાચાલી થતા એક સમયે મહિલાને માથામાં લાકડાનો ફટકો મારતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી મૃતક મહિલાની લાશનુ વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી લાડોલ પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના લીમઘાટી ફળિયાથી ઘઉં કાપવાની મજૂરી કામ અર્થે શ્રમિક લોકો મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના હસ્નાપુર ખાતે ગયેલા હતા. જેમાં ભાભોર લલીબેન રાકેશભાઈ ઉંમર વર્ષ આશરે 40 નાઓ પણ મજૂરી કામે ગયા હતા.અને જ્યાં મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના હસ્નાપુર ખાતે રહેતા પટેલ ભરતભાઈ બેચરભાઈના કુવા ઉપર રહી મજૂરી કામ કરતા હતા. જેમાં ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના રાજુભાઈ બાબુભાઈ બારીયા નાઓ પણ ઘઉં કાપવાની મજૂરી કામ કરતો હતો અને મજૂરીકામ પૂર્ણ થતા હવે મજૂરી કામના નાણાંનો હિસાબ કરવાનો બાકી હતો. ત્યારે સોમવાર રાત્રિના નવેક વાગ્યાના અરસામાં રાજુ બાબુ બારીયા તથા કમલેશ કાંતિ ગરાસીયા નાઓ જ્યાં મજૂરો રહેતા હતા. ત્યાં કુવા ઉપર જઈ બિભીત્સવ ગાળો આપી રાજુ બારીયા જણાવતો હતો કે, અમારી મજૂરી કામના નાણા આપી દો નહીં તો તમને મારી નાખીશુંની ધમકીઓ આપી બિભીત્સ ગાળો આપી તકરાર કરવા લાગેલ. જેથી લલીબેન ભાભોરે ગાળો બોલવાની ના પાડતા કમલેશ કાંતિ ગરાસીયા એકદમ ઉશ્કેરાઇ જઈ તેના હાથમાં લાકડું લઈ લલીબેનના માથામાં જોશભેર મારતા લલીબેન લોહી લુહાણ થઈ જમીન ઉપર ફસડાઈ પડેલ અને તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિજાપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે લલીબેન ભાભોર ને મૃત જાહેર કર્યા હતા.
ઉપરોક્ત બાબતે મૃતક લલીબેન ભાભોરના પુત્ર સુભાષભાઈ રાકેશભાઈ ભાભોર નાઓએ લાડોલ તા.વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા કમલેશ કાંતિભાઈ ગરાસીયા રહે. ગણેશપૂતરા તા.ગાંગડતલાઈ,જી. બાસવાડા રાજસ્થાન તથા રાજુ બાબુભાઈ બારીયા રહે. સાગડાપાડા, તા.ફતેપુરા જી. દાહોદના ઓની વિરૂદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી આ બંને આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ લાશના પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.