ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ચોર તસ્કર ટોળકીઓ સક્રિય થઈ છે.બે દિવસમાં બે સ્થળોએ તસ્કરોએ પોતાનો કસબ અજમાવીને ફતેપુરા પોલીસને પડકાર ફેંક્યો છે

ફતેપુરા, બે દિવસ અગાઉ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી સાયકલ ચોરી કરીને જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે ગતરોજ રાત્રીના કોઈપણ સમયે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મેન બજારના ભરચક વિસ્તારમાં આવેલ હિટાચી એટીએમ મશીનમાં તસ્કરો ત્રટક્યા હતા અને એટીએમ મશીનમાં તોડફોડ કરી હતી અને બાજુમાં આવેલા કબાટની પણ તોડફોડ કરી હતી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ચોરીની ઘટનામાં કેટલી રકમ ચોરી થઈ છે કે, ચોરી ના પ્રયાસમાં તસ્કરો સફળ થયા નથી. તે હાલ જાણી શકાયું નથી. ફતેપુરા ખાતે તસ્કરોને સીસીટીવીનો પણ ભય ના હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ પણ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે ગતરોજ ફતેપુરા નગરના મેન બજાર વિસ્તારમાં આવેલ હિટાચી એટીએમ માં ચોરીના ઘટનામાં પણ આ એટીએમમાં આવેલા સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા જ હશે. ત્યારે આ બાબતની સ્થાનિક રહીશોએ ફતેપુરા પોલીસને જાણ કરતા ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. ત્યારે આ તબક્કે સ્થાનિક રહીશોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અમે રાત્રિના સમયે હોમગાર્ડ પોઈન્ટ મૂકવા માટે ફતેપુરા પોલીસ પાસે વારંવાર માંગ કરી છે, પરંતુ ફતેપુરા પોલીસમાં દ્વારા આ બાબતે કોઈપણ જાતનો નિર્ણય લેવામાં આવતો નથી અને અમારા વિસ્તારમાં હોમગાર્ડ પોઈન્ટ મૂકવામાં આવતો નથી. જેના કારણે આવી ચોરીઓને તસ્કરો અંજામ આપે છે.