- જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા જતી ઠેક ઠેકાણે તૂટેલી નહેરનું મરામત કામ થતું નથી.
- વેડફાતા પાણીથી ખેતીમાં અનેક ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી.
- બિસ્માર નહેરના કારણે સીઝનમાં ખેડૂતોને પૂરતું પાણી નહીં મળતું હોવાની ઉઠેલી બુમો.
- વર્ષોથી કેનાલમાં ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવા તંત્રના આંખ આડા કાન થતા હોવાની ગ્રામજનો ની ફરિયાદ.
ફતેપુરા,ફતેપુરા તાલુકામાં ત્રણ જેટલા સિંચાઈ તળાવો આવેલા છે. જેમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે છે. પરંતુ કેટલાક ગામડાઓમાંથી પસાર થતી આ કેનાલોની વર્ષો સુધી રીપેરીંગ કામગીરી નહીં કરાતા તેમજ ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવામાં નહીં આવતા ખેડૂતો મુશ્કેલમાં મુકાય છે અને તેવીજ પરિસ્થિતિ જવેસી સિંચાઈ તળાવની નહેરની જોવા મળે છે. જેની રજૂઆત નાની સિંચાઈ ઝાલોદને કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કરી સબ ચલતા હૈ નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું ઉડતી ફરિયાદો ઉપરથી અને પ્રત્યક્ષ જોતા જણાઈ આવે છે. ત્યારે લાગતા- વળગતા તંત્ર ઉપર સરકારની કોઈ પકડ ન હોવાનો અથવા સરકારના શાસનને સ્થિર રાખવા આડખીલીરૂપ બનવાના સોગંદ ખાઈને બેઠું હોય તેમ વહીવટી તંત્ર ભૂમિકા ભજવી રહ્યુ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરાને દૂર કરી નહેરની મરામત કામગીરી જરૂરી હોવાનું જણાઈ રહ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. જેમાં જવેસી, મારગાળા તથા નીંદકાપૂર્વમાં સિંચાઈ તળાવો આવેલા છે.અને આ તળાવમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેટલાક ગામડાઓમાં જતી કેનાલોની વર્ષો બાદ પણ મરામત કામગીરી કરવામાં આવેલ નથી. જેના લીધે અનેક જગ્યાઓ ઉપર કેનાલો તૂટેલી નજરે પડે છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું નથી અને જેની રજૂઆતો ઝાલોદ નાની સિંચાઈ ખાતે કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોની રજૂઆત પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. જેથી ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનું જાણવા મળે છે. તેવી જ રીતે જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા થઈ ખાતરપુરના મુવાડા તરફ જતી કેનાલ ઠેક ઠેકાણે તૂટેલી નજરે પડે છે અને આ કેનાલ પર વૃક્ષોએ સામ્રાજ્ય સ્થાપી લેતા નહેરના દર્શન પણ થઈ શકતા નથી અને તળાવ માંથી છોડવામાં આવતું પાણી નિરર્થક જ્યાં-ત્યાં વહી જાય છે. જેના લીધે કેટલાક ખેડૂતો પોતાની ખેતીમાં ખેતી પણ કરી શકતા નથી.
બીજી બાજુ જોઈએ તો જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા તરફ જતી કેનાલમાં વર્ષોથી ઝાડી ઝાંખરા ફૂટી નીકળેલા જોવા મળે છે.અને આ કેનાલ ઉપર થી દિવસના સમયે પણ એકલ-દોકલ બાળકો કે મહિલાને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું જોવા મળે છે અને તેની સાફ સફાઈ માટે ઝાલોદ નાની સિંચાઈ કચેરી ખાતે પાટડીયાના ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં મુશ્કેલી દૂર કરવામાં આવતી નથી અને ઝાલોદ કચેરીના જવાબદરો દ્વારા જણાવવામાં આવે છે કે કેનાલના ઝાડી ઝાંખરા દૂર કરવાની જવાબદારી ખેડૂતોની છે. તે અમારામાં આવતું નથી.અને તેની કોઈ ગ્રાન્ટ અમોને મળતી નથી ના જવાબો આપવામાં આવતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જો પાટડીયામાં કોઈ ઉચ્ચ અધિકારી પ્રત્યક્ષ મુલાકાત લેતો ઝાલોદ નાની સિંચાઈ વિભાગના જવાબદારોની ફતેપુરા તાલુકામાં વાપરવાહી ઉડીને આંખે વળગે તેમ છે.
ઝાલોદ નાની સિંચાઈના જવાબદારો દ્વારા પાટડીયા માંથી પસાર થતી કેનાલ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જોકે, કેનાલમાંથી પાણી લેતા ખેડૂતો સિઝનમાં એક એકર દીઠ સરકારમાં નાણા ભરે છે. છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું નથી કે કેનાલની પણ સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને ઠેકાણે તૂટેલી કેનાલના લીધે પાણી નિરર્થક ખેતરોમાં વહી જતું હોય અનેક ખેડૂતોના બારેમાસ ખેતરો પાણીના ભરાવાના લીધે ખેતરો બગડે છે અને વચ્ચે પાણી વેરફાઇ જતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું ન હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. આમ, જવેસી નાની સિંચાઈ તળાવથી પાટડીયા તરફ જતી કેનાલની મરામત કામગીરી વહેલી તકે થાય તેમ જ કેનાલમાં ફુટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરી ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે તે બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા થઈ પસાર થતી કેનાલ ઉપર ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ-સફાઈ તેમજ રીપેરીંગ કામગીરી ગત છેલ્લા દસેક વર્ષથી કરવામાં આવેલ નથી.તેમજ સીઝનમાં જરૂરિયાતના સમયે તૂટેલી કેનાલના લીધે પાણી જ્યાં ત્યાં વેડફાઈ જતું હોય અમોને ખેતીમાં જરૂરિયાત પ્રમાણે પાણી પણ મળી શકતું નથી. ક્યારેક પાણીના અભાવે અમારા તૈયાર થવા આવેલ ખેતી પાકો પણ સુકાઈ જવાના બનાવો બને છે.અમો નાની સિંચાઈ ઝાલોદ ખાતે અનેક વાર રજૂઆતો કરીએ છીએ. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. તેમ જ તૂટેલી કેનાલના લીધે તેમ જ તંત્રની બેદરકારીના કારણે અમારા ગામના અનેક ખેતરોમાં બારેમાસ પાણીના ભરાવાના કારણે ખેતી પણ કરી શકતા નથી અમારે ફરિયાદ કરવી તો કરવી કોને ? :- સરદારભાઈ વરસીંગભાઇ પરમાર,પાટડીયા સ્થાનિક….