ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.બસની સુવિધાના અભાવે મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી માટે મજબુર

ફતેપુરા, ફતેપુરા તાલુકાના નાની શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતી એસ.ટી.બસ સુવિધાઓ બંધ કરી દેવાતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર ખાનગી ટુ અને ફોર વ્હિલર વાહનોની સંખ્યા વધી છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મુસાફરી કરવા મજબુર બન્યા છે. છતાં સરકાર અને જવાબદાર તંત્રને આંખ ખુલતી નથી. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવા ગ્રામ્ય વિસ્તારોની પ્રજાની માંગ ઉઠવા પામી છે.

ઝાલોદ તાલુકાના ગરાડુથી ફતેપુરા તાલુકાના ધાટાવાડા, કાળિયા, નાના બોરીદા, માનાવાળા બોરીદા, મોટા બોરીદા થઈ ધાણીખુટ હાઈવેને જોડતો માર્ગ અગાઉ સીંગલપટ્ટી હતો. તે સમયે રોજની છ જેટલી એસ.ટી.બસની ટ્રીપ ચાલુ હતી. પરંતુ સમય જતા બિસ્માર રસ્તાના કારણે આ ટ્રીપો બંધ કરી દેવાઈ હતી. છેલ્લા એક વર્ષથી આ માર્ગનુ નવીનીકરણ કરી દ્વિમાર્ગી રસ્તો બનાવાયો છતાં એસ.ટી.બસની સુવિધા પુન: શરૂ કરી નથી. પરિણામે આ રસ્તા ઉપરના અનેક ગામડાની જનતા નાછુટકે જાનના જોખમે ખાનગી વાહનોનો સહારો લેવા મજબુર બની રહી છે. શાળાના બાળકો રિક્ષા અને છકડામાં લટકી જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળે છે. અથવા તો કેટલાય બાળકો વાહનની સુવિધાના આવે શાળાએ જવાનુ જ માંડી વાળે છે. આ ગામડાઓના ધંધાદારીઓ તેમજ નોકરીયાત લોકો પણ બસ સુવિધાના અભાવે પરેશાન થઈ રહ્યા છે. જેથી ગામડાના રહિશોને સુખસર, સંતરામપુર તરફ જવા કે ઝાલોદથી સુખસર તરફ જવા માટે જયારે સુખસરથી ધાણીખુટ, કાળિયા થઈ ગરાડુ ઝાલોદ જવા માટે દિવસ દરમિયાન એસ.ટી.બસો શરૂ કરવા માંગ કરી છે. ઝાલોદ વાયા સુખસરથી સંતરામપુર માર્ગ ઉપરની એસ.ટી.બસોને વાયા ગરાડુ, કાળિયા થઈ સુખસર રૂટ પર દોડાવવા માંગ કરાઈ છે.