ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર દ્વારા ઉદ્ધવતાઈ ભર્યું વર્તન:ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ

  • બલૈયાના મોરપીપળા પ્રાથમિક શાળાના આચાર્ય શાળાની પાસબુકમાં પ્રિન્ટિંગ ભૂલ સુધારવા જતા મેનેજર વિફર્યા!
  • બલૈયા બેન્કના મેનેજર દ્વારા આચાર્યને”તમારા જેવા શિક્ષકોના કારણે આજે દેશની હાલત ખરાબ થઈ છે”નું જણાવી જાહેરમાં અપમાનિત કર્યા.

કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમો મુજબ પોતાની ફરજના સ્થળે કામગીરી કરવાની હોય છે. તેમજ જે-તે કામગીરી માટે આવેલા નાગરિકોને ન્યાય મળી રહે તેની અગ્રીમતા રાખવાની હોય છે. પરંતુ કેટલીક સરકારી,અર્ધસરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતે ઘડી કાઢેલા નિયમો મુજબ પોતાની ફરજના સ્થળે વર્તન કરતા હોવાનું જોવા સાંભળવા મળે છે. જેમાં ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર પણ બાકાત નથી. તેમાં અભણ બેંક ગ્રાહકો તો ઠીક પરંતુ શિક્ષિત બેંક ગ્રાહકો સાથે પણ ઉદ્ધવતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય અને લાંબા સમયથી ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી ગ્રાહકોને હડદૂત કરવામાં આવતા બેન્ક મેનેજર થી વાજ આવેલા બેન્ક ગ્રાહકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું અને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલ છે. જેમાં શ્રમિકો, ખેડૂતો, વેપારી તથા નોકરિયાત વર્ગના હજારો લોકો આ બેંકના ગ્રાહકો છે. પરંતુ આ બેંકના ગ્રાહકો સાથે બેંક મેનેજર દ્વારા લાંબા સમયથી ઉદ્ધવતાઈ ભર્યું વર્તન કરી બેન્ક ગ્રાહકોને બેંકથી વિમુખ કરવાની કામગીરી વધુ થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. તેવી જ રીતે બલૈયાના મોરપીપળા વર્ગ પ્રાથમિક શાળાનુ એકાઉન્ટ વર્ષ 2003 થી આ બેંકમાં ચાલુ છે. જેમાં આચાર્ય તરીકે તરીકે મયુરભાઈ અંબાલાલ પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ બેંક દ્વારા આપવામાં આવેલ પાસબુકમાં બેંક દ્વારા કરવામાં આવેલ પ્રિન્ટિંગ ભૂલ સુધારવા 26 જૂન 2024 નારોજ બેંકમાં ગયા હતા અને બેંક મેનેજરને આ પાસબુકમાં પ્રિન્ટિંગ ભૂલ સુધારી આપવા જણાવતા બેંક મેનેજર આચાર્ય ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ “આજે તમારા જેવા શિક્ષકોના કારણે દેશની હાલત બદતર થઈ છે”તેવું બેન્ક ગ્રાહકોની હાજરીમાં જાહેરમાં બોલી શિક્ષકના વ્યવસાયને કલંકરૂપ શબ્દોનું ઉચ્ચારણ કરી શિક્ષક સમુદાયને અપમાનિત કરેલ હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત બાબતે બેંકના સીસીટીવી ફૂટેજ સવારના 11:15 થી 12:00 વાગ્યા વચ્ચેના તપાસ કરવામાં આવે તો પણ આ હકીકતની સત્યતા બહાર આવી શકે તેમ છે. જોકે, હાલમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયા ખાતે ફરજ બજાવતા મેનેજર દ્વારા બેંકમાં ચાર્જ સંભાળ્યા બાદ અનેક બેંક ગ્રાહકો સાથે ઉદ્ધવતાઈ ભર્યુ વર્તન કરી ગ્રાહકોને અપમાનિત કરવાની સાથે જે તે ગ્રાહકના કામ માટે ગલ્લા તલ્લા કરી સમયસર કામગીરી પણ કરી આપવામાં નહીં આવતી હોય બેંકને નુકસાન પહોંચતું હોવાનું જણાવવામાં આવ્યું છે.તેમજ ઉપરોક્ત બાબતે મેનેજર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મેનેજરની વિરૂદ્ધમાં ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત બાબતે બલૈયાના મોર પીપળા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય મયુર અંબાલાલ પટેલ દ્વારા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ગ્રાહકોની સહી સાથે ચેરમેન, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, હેડ ઓફિસ, વડોદરા તથા રિજીયોનલ મેનેજર ગોધરા ખાતે રજૂઆત કરી ન્યાયની માંગ કરી હોવાનું જાણવા મળે છે.