ફતેપુરા તાલુકામાં એકસપાયરી ડેટવાળા તેલના ડબ્બાનુ ખુલ્લેઆમ વેચાણ કરી આરોગ્ય સાથે ચેડા

સુખસર,ફતેપુરા તાલુકામાં એકસપાયરી તારીખ હટાવી નવી તારીખ માર્કરથી લખીને તેલના ડબ્બા ખુલ્લેઆમ વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે.

ફતેપુરા તાલુકામાં અનેક વખત એકસપાયરી ડેટવાળી ખાઘચીજ વસ્તુ વેચતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઈને અનેક વખત તંત્રને એકસપાયરી ડેટને લઈને તપાસ માટે આવેદન આપી રજુઆત કરવામાં આવી છે. ફતેપુરા તાલુકામાં કેટલાક વેપારીઓ એકસપાયરી ડેટવાળી ખાઘ ચીજવસ્તુઓ વેચતા હોવાનુ સામે આવ્યુ છે. વલુન્ડા ગામના એક પરિવાર ફતેપુરાના વેપારી પાસેથી તેલનો ડબ્બો ખરીઘો હતો. જે તેલથી રસોઈ બનાવતા રસોઈ આરોગ્યા બાદ ઉલ્ટીઓ થઈ હતી જોકે પરિસ્થિતિ ગંભીર બની ન હતી. ત્યારે જાગૃત નાગરિકે ધરમાં વપરાતો તેલનો ડબ્બો જોતા તેની ઉપર તારીખ અને ભાવ માર્કરથી બદલેલો જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા. ડબ્બા ઉપરથી એકસપાયરી ડેટ 2019ની હતી અને જેના ઉપર હાથથી લખેલુ હતુ અને ભાવમાં છેડછાડ કરી હાલની કિંમત માર્કરથી લખી નાંખી હતી.