
દાહોદ,ફતેપુરા તાલુકાના મનરેગાના લાભાર્થીઓને ન્યાય નહીં મળે તો અગામી સમયમાં મનરેગા કામદાર યુનિયન દ્વારા આંદોલન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આજે તારીખ 6 મે 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મનરેગા કામદાર યુનિયનના કાર્યાલય ખાતે ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર નો ભાગ બનેલા લાભાર્થીઓને ન્યાય અપાવવા માટે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લાભાર્થીઓના વિવિધ પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિકથી લઈને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ બાબતે કોઈ પગલા લેવામાં આવતા નથી. જેને લઇને અગામી સમયમાં ફરી એક વખત સ્થનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને તેમ છતાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લાભાર્થીઓને ન્યાય અપાવવામાં નહીં આવે તો મનરેગા કામદાર યુનિયન દ્વારા આંદોલન સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આ બેઠકમાં મનરેગા કામદાર યુનિયનના વિવિધ હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ મનરેગા યોજનાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લાભાર્થીઓ અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા.