ફતેપુરા તળાવની સરકારી જમીનમાં દબાણો

ફતેપુરા ગ્રામ પંચાયતમાં સરકારી તળાવની જમીન ઉપર ભુમાફિયાઓના ડોળાઓ ફરી રહ્યો છે. તેને લઈને વારંવાર સ્થાનિક તંત્રને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરાતા કલેકટરમાં રાવ કરાઈ હતી. જેને ઘ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર તળાવની સરકારી જમીન ઉપર સ્થળ તપાસ કરી હતી.

ફતેપુરા ગ્રામ પંચાયતના ગામ તળમાં આવેલ કબ્રસ્તાનની સામેની બાજુ તળાવના ટાંકાની પાસે વર્ષો જુની ગામનુ તળાવ આવેલુ છે. આ તળાવ અંદાજે પાંચેક એકર જમીનમાં પથરાયેલુ હતુ. પરંતુ આ તળાવમાં ભુમાફિયાઓ દ્વારા દબાણ કરાતા અંદાજે એક થી બે એકર જેટલી જ તળાવની જમીન બચી છે. તેને ઘ્યાનમાં રાખીને ફતેપુરાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર તળાવનુ દબાણ દુર કરવા માટે સ્થાનિક કક્ષાએથી લઈ જિલ્લા સુધી રજુઆત કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએથી તળાવની માપણી કરતા તળાવ ઉપર નીચે આધુ પાછુ કરી તળાવને સ્થળ પર બતાવી દેવામાં આવતુ હતુ.

સેગ્રીકેશન શેડ તોડી ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર કબ્જો મેળવવા માટેનુ કારસ્તાન રચવામાં આવ્યુ હતુ. તેની જાણ ગ્રામ પંચાયતને થતાં વહીવટદાર તેમજ તલાટી કમ મંત્રી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેને કલેકટરે અધિકારીઓને સ્થળ પર પહોંચી તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. જે બાદ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદરે સ્થળ ઉપર પંચકેસ કર્યો હતો. જે બાદ કલેકટરને ફરી રજુઆત કરી હતી. જેને ઘ્યાને લઈ જિલ્લા કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ તાત્કાલિક ધોરણે માપણી કરાવી તળાવની સરકારી જમીન ખુલ્લી કરવા માટે આદેશ કર્યો હતો. અને સાથે તળાવને ખુલ્લુ કરીને બ્યુટિફિકેશન કરવા માટેની તૈયારી કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યુ હતુ.