ફતેપુરા, ફતેપુરા નગરમાં કામેશ્ર્વર મહાદેવ મંદિરની સામે આવેલા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવા બેસતા ફેરીયાઓની પાછળ ગંદકીનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
ફતેપુરા નગરમાં કામેશ્ર્વર મહાદેવ મંદિરની સામે એક જુના જર્જરિત પીકઅપ સ્ટેન્ડમાં વર્ષોથી શાકભાજીના ફેરીયાઓ પથારો કરી વેપાર કરી રહ્યા છે. આ ફેરીયાઓ દ્વારા ત્યાં જ નકામુ અને સડેલુ શાકભાજી નાંખી દેવાતા આ સ્થળે ગંદકીનુ સામ્રાજય છવાયુ છે. તેમાંય વરસાદ પડતા કાદવ-કિચડ થતાં આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. જેના કારણે શાકભાજી ખરીદવા આવનાર લોકોને ગંદકીની વચ્ચે શાકભાજી ખરીદવી પડતી હોય છે. શાકભાજીના ફેરીયાઓ સાંજના સમયે ધરે જતા સમયે આ જગ્યા પર બચી ગયેલ સડેલ શાકભાજી પશુઓ માટે છોડી દેતા હોય છે. જેના કારણે સાંજના સમયે આ સ્થળે પશુઓનો જમાવડો થાય છે. જે ત્યાં જ ગંદકી વિસ્તારને વધુ ગંદો કરે છે. આ સ્થળે સાફસફાઈ પણ ન થતી હોવાથી ગંદકી યથાવત રહેવામાં પામી છે. જેના કારણે હાલ ચોમાસામાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ સેવાઈ રહી છે.