દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે આવેલ ફીનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક લી. બ્રાંન્ચમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતો એક કર્મચારી તથા તેની સાથે અન્ય એક સહ કર્મચારી મળી બે કર્મચારીઓએ ત્રીસ જેટલી મહિલાઓના ગ્રૃપ લોનના કુલ રૂા. 4,97,511ની રકમ બારોબાર ચાઉં કરી લેતાં અને ફાઈનાન્સ કંપનીમાં આ રકમ જમા ન કરાવતાં આ મામલે મહિલાઓમાં હોબાળો મચતાં ઘટનાની જાણ ફાઈનાન્સ કંપની થતાં ફાઈનાન્સ કંપની દ્વારા ફાઈનાન્સ કંપનીના બંન્ને કર્મચારીઓ વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ફરાર બંન્ને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ફતેપુરા તાલુકો કોઈને કોઈ પ્રકરણે હરહંમેશ ચર્ચામાં રહેતો આવે છે અને તેમાંય ખાસ કરીને ભ્રષ્ટાચાર, કૌંભાંડ, છેતરપીંડી વિગેરે મામલે ફતેપુરા એપી સેન્ટર બની રહેવા પામ્યું છે ત્યારે ફરીવાર ફતેપુરા તાલુકો ચર્ચાની એરણે ચઢેલ છે. ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે આવેલ ફીનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક લી. બ્રાન્ચમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતો રણજીત વીરસિંહ ઠાકોર (રહે. સરાડીયા કાસમપુરા, તા. વીરપુર, જી.મહિસાગર) અને તેની તેની સાથેનો સહકર્મચારી હિમ્મતસીહ પ્રભુદાસ ઠાકોર આ બંન્ને ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં તારીખ 01.03.2022 થી તારીખ 31.03.2023ના સમયગાળા દરમ્યાન ત્રીસ જેટલી મહિલાઓના ગ્રૃપ લોનના હપ્તાના રૂપીયા, ફાઈનાન્સ કંપનીની પેટી કેશમાંથી, ઈલેક્ટ્રોનીક રેકર્ડમાં સીસ્ટમમાં ખોટી નોંદ કરી, ખોટી સહીનો ઉપયોગ કરી, 47 જેટલા ગ્રાહકોના અલગ અલગ મહીલા ગ્રૃપના લોનોના હપ્તાના રૂપીયા વિગેરે મળી કુલ રૂા. 4,97,511ની રકમ ઉપાડી લઈ ગ્રાહકો તથા ફાઈનાન્સ કંપની સાથે વિશ્ર્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે ફાઈનાન્સ કંપનીમાં રીજનલ ઓપરેશન મેનેજર તરીકે ફતેપુરા-2 બ્રાંન્ચ ઘુઘસ રોડ વલુડા-2 ખાતે ફરજ બજાવતાં જીગરભાઈ કાતીલાલ પ્રજાપતિએ ફતેપુરા પોલીસ મથકે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.