ફતેપુરાના વાંગડ ગામે યુવકે યુવતિ સાથે ભાગી લગ્ન કરી લેતાં યુવતિના પરિવારજનો યુવકના ધરમાં આગ ચાંપી

દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામે એક યુવકે એક યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેતાં યુવતીના પરિવારજનોએ ઉશ્કેરાઈ જઈ યુવકના ઘર પર હુમલો કરી યુવકના ઘરને સળગાવી દેતાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, યુવક અને યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાંગડ ગામે ગરાડીયા ફળિયામાં રહેતાં હિતેશભાઈ પારગીએ ગામમાં રહેતી એક યુવતીને ભગાડી લઈ જઈ કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. આ મામલાની જાણ થતાં યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે હલ્લાબોલ કર્યુ હતું અને અવાર નવાર યુવકના ઘરે જઈ યુવતીને પરત સોંપી દેવાની માંગણીઓ કરી ભારે ધિંગાણું મચાવતાં હતાં. યુવતીએ તેના પરિવારજનો સાથે જવાની ના પાડતાં ત્યારે ઉશ્કેરાઈ જઈ યુવતીના પરિવારજનોએ યુવકના ઘર પર હુમલો કરી તેના ઘરની આંગચંપી દીધી હતી. લાગેલ આગને પગલે સંપુર્ણ ઘર બળીને રાખ થઈ ગયું હતું. આગમાં ઘરવખરીના સરસામાન, સોના-ચાંદીના દાગીના સાથે અન્ય સામાન પણ બળીને રાખ થઈ ગયું હતું. આગની ઘટનાને પગલે નજીકની ફાયર ફાઈટરના લાશ્કરેન જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટનાને પગલે યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનોને મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવા પામી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.