ફતેપુરા, ફતેપુરા તાલુકામાં દિન પ્રતિદિન એમજીવીસીએલ તંત્રનો વહીવટ કથળતો જતો હોવાનુ જાણવા મળે છે. જેમા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ પ્રવાહ ખોરવાતા તેની જાણ કચેરી ખાતે કરવામાં આવે છે. ત્યારે તેના પ્રત્યે જવાબદારો દ્વારા તાત્કાલિક ઘ્યાન આપવામાં નહિ આવતુ ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેવી જ રીતે છ દિવસથી સરસવાપુર્વ ખાતે અજાણ્યા ઈસમો દ્વારા ટીસી ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડતા વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો. જેની જાણ ફતેપુરા એમજીવીસીએલ ખાતે કરાતા આજદિન સુધી ઘ્યાન નહિ અપાતા વીજ ગ્રાહકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનુ જાણવા મળે છે.
સરસ્વા પુર્વ ખાતે 16મે 2024ના રોજ અજાણ્યા ઈસમો દ્વારા વીજ પ્રવાહ પુરૂ પાડતા ટીસી ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યુ હતુ. જેના લીધે સ્ટેશન ફળિયા, બાપુ ફળિયા, સુવર ફળિયાના અંદાજિત 500 જેટલા ધરોમાં વીજ પ્રવાહ બંધ થઈ જવા પામેલ છે. જેની જાણ કરવા છતાં વીજ કંપની દ્વારા ટીસી રિપેરીંગ કરવામાં નહિ આવતા ઉપરોકત ફળિયાના લોકો રાત્રિના સમયે કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હાલ 45 ડિગ્રીની આસપાસ આગ ઝરતી ગરમી પડી રહી છે. ત્યારે દિવસના લોકો વૃક્ષો નીચે જઈ આશરો લઈ ઠંડક મેળવવા મજબુર છે. પરંતુ રાત્રિના સમયે મકાનોમાં વીજ પ્રવાહ બંધ હોય પંખા, કુલરો ચલાવી શકાતા નથી. ત્યારે ગરમીના બફારાથી લોકોમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે સરસ્વા પુર્વમાં ફતેપુરા એમજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક ઘ્યાન આપી ટીસી રિપેરીંગ કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.