દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાલ ગામેથી પસાર થતી જાનૈયાઓ ભરેલ તુફાન ગાડીને અકસ્માત નડતા તુફાન ગાડી નજીકમાં આવેલ કુવામાં ખાટકી પડી હતી. જેને પગલે બે બાળકોના મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે પંદરથી વધુ જાનૈયાઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગતરોજ ફતેપુરા તાલુકાના સકવાલ ગામેથી એક તુફાન ગાડીમાં જાનૈયાઓ બેસી જઈ રહ્યા હતા. તે સમયે ગાડીના ચાલક સરદારભાઈ વાઘજીભાઈ નળવાય (રહે. નવા, તળાવ ફળિયા, તા. ફતેપુરા જિ.દાહોદ)નાએ પોતાના કબજાની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા જોતજોતામાં ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી નજીકમાં આવેલ એક કૂવામાં ખાદકી પડી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી કુવામાં પડી ગયેલ જાનૈયાઓને બચાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ જાનૈયાઓ પૈકી 10 માસના કંતિકાબેન કાળુભાઈ દામા (રહે. જગોલા, માળ ફળિયુ, તા. ફતેપુરા, જિ.દાહોદ)નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અંદરથી વધુ જાનૈયાઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતા જે પૈકી દસેક વર્ષીય જૈનિકભાઈ અરવિંદભાઈ દામા (રહે. જગોલા, માળ ફળિયુ, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સંબંધે ફતેપુરા તાલુકાના જગોલા ગામે માળ ફળિયામાં રહેતા છગનભાઈ ઝાલાભાઇ દામા દ્વારા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.