ફતેપુરાના પાટી ગામે કડાણા-દાહોદ એકસપ્રેસ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ખેડુતોના રવિ પાકોમાં પાણી ફરી વળ્યા

ફતેપુરા, ફતેપુરા તાલુકામાંથી પસાર થતી કડાણા-દાહોદ એકસપ્રેસ પાણીની પાઈપલાઇનમાં અવાર નવાર ભંગાણ સર્જાતા ખેડુતોને નુકસાન થઈ રહ્યુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. છેલ્લા 10 દિવસથી ફતેપુરા તાલુકાના પાટી ભોજેલા ગામથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હતુ.

તેની તંત્રને જાણ કરતા મરામતની કામગીરી કરવામાં હતી પરંતુ તકલાદી મરામતના કારણે વેડફાઈ રહેલા પાણીમાં કોઈ સુધારો નહિ આવતા હાલ ખેડુતોના રવિ સીઝનના ધઉં, ચણાની ખેતીના પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડુતોને નુકસાન થયુ છે. તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના વેડફાટને બંધ કરાય તેવી માંગ ઉઠી છે. છેલ્લા આઠ દિવસથી કમોસમી વરસાદના કારણે રવિ સીઝનની ખેતીમાં ખેડુતોને નુકસાન થવાનો ભય ઉભો થયો છે. ખેડુતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર લાવી પોતાની ખેતીવાડીમાં ધઉં, ચણા જેવા રવિ સીઝનના પાકોની વાવણી કરી રહ્યા છે. જે લાઈનથી જે ખેડુતોના ખેતરોમાંથી પસાર થતી અને જેનો સ્થાનિક ખેડુત લોકોને કોઈ જ લાભ ન હોય તેવી કડાણાથી દાહોદ જતી પાણીની એકસપ્રેસ લાઈનમાં ભંગાણ સર્જાય છે. જેના લીધે અવાર નવાર ખેડુતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. હાલમાં પાણીની પાઈપલાઈનમાં પાટી, ભોજેલાથી પસાર થતી લાઈનમાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યુ છે. જેના લીધે આસપાસમાં આવેલા ખેતરોમાં આ પાણી રેલાતા રવિ પાકોમાં ખેડુતોને નુકસાન અટકાવે તે બાબતે તંત્ર વહેલી તકે ઘ્યાન આપે તે જરૂરી બન્યુ છે.