ફતેપુરાના ધાટાવાડા ગામે મહિલા સહિત 7 ઈસમોએ જાહેર રસ્તો બંધ કરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઘાટાવાડા ગામે મહિલા સહિત 07 ઈસમોના ટોળાએ ગામમાં આવેલ જાહેર રસ્તા પર પથ્થરો મુકી રસ્તો બંધ કરી દેતાં આ અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કર્મચારીઓ દ્વારા આ રસ્તા પરથી પથ્થરો હટાવી ખોલવા જતાં ટોળા દ્વારા પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકીઓ આપી કાયદેસરની ફરજમાં રૂકાવત ઉભી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવા પામી છે.

ફતેપુરા તાલુકાના ઘાટાવાડા ગામે તેમજ રાવળનાવરૂણા ગામે રહેતાં લાલાભાઈ પુનાભાઈ મછાર, મંજુલાબેન લાલાભાઈ મછાર, મનિષભાઈ લાલાભાઈ મછાર, અમિતભાઈ લાલાભાઈ મછાર, અજયભાઈ દલસીંગભાઈ મછાર, સવજીભાઈ ગવાભાઈ મછાર અને સેજલબેન શૈલેષભાઈ મકવાણાનાઓએ એકસંપ થઈ ગેરકાયેદસર મંડળી બનાવી ઘાટાવાડા ગામે જાહેર રસ્તા ઉપર આવતા જતા રાહદારી માણસોને તથા વાહન ચાલકોને રસ્તા પરથી નહીં નીકળવા દેવા સારૂ રસ્તા ઉપર પથ્થરો મુકી રસ્તો બંધ કરી દીધો હતો. આ અંગેની જાણ સુખસર પોલીસ મથકના કર્મચારીઓને થતાં પોલીસ કર્મચારીઓ તાબડતોડ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને રસ્તા પરથી પથ્થરો હટાવી રસ્તો પુન: ચાલુ કરતાં ઉપરોક્ત ટોળા દ્વારા પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકીઓ આપતાં અને કાયદેસરની સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. આ સંબંધે સુખસર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.