ફતેપુરાના ધાણીખુટથી ગરાડુ ગામને જોડતા માર્ગની કામગીરી ધીમી ચાલતા વાહનચાલકો પરેશાન

ફતેપુરા,

ફતેપુરા તાલુકાના સુખસરથી ઝાલોદ જતા હાઈવે ઉપર ધાણીખુટથી ઝાલોદના ગરાડુ ગામને જોડતો 8 કિ.મી.નો માર્ગ બિસ્માર થતાં તેના નવીનીકરણ માટે એક વર્ષ અગાઉ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સાડા ચાર કિ.મી.જેટલા રસ્તાની કામગીરી ગત ચાર માસ અગાઉ સંપુર્ણ રીતે પુર્ણ કરી દીધો છે. જયારે સાડા ત્રણ કિ.મી.જેટલા માર્ગની કામગીરી ગોકળ ગતિએ ચલાવતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

સુખસરથી ઝાલોદ જતા હાઈવે માર્ગ ઉપર ધાણીખુટથી ગરાડુ જતો ડામર રસ્તો તુટી જતા તેને નવો બનાવવા માટે ગત એક વર્ષ અગાઉ કામગીરી હાથ ધરી હતી. જેમાં સિંગલ પટ્ટી રસ્તાને દ્વિમાર્ગીય રસ્તો બનાવ્યો છે. તેની કામગીરી ધાણીખુટથી લઈ કાળિયાના ગોંદરા સુધી આશરે સાડા ચાર કિ.મી.રસ્તાની કામગીરી સંપુર્ણ રીતે થયે ચાર માસનો સમય વિતી ગયો છે. કાળિયાના ગોંદરાથી ગરાડુ સુધી સાડા ત્રણ કિ.મી.ના રસ્તાની સાઈડ પુરાણનુ કામ લાંબા સમયથી ચાલી રહ્યુ છે. છેલ્લા એક માસ અગાઉ આ રસ્તાની કામગીરી ચલાવાઈ હતી પરંતુ હાલમાં આ રસ્તાની નવીનીકરણની કામગીરી બંધ થયેલી જોવા મળી રહી છે. જેના લીધે આ રસ્તા ઉપરથી પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી આ રસ્તાની કામગીરી વહેલીતકે પુર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. ધાણીખુટથી ગરાડુ જતો માર્ગ રાજસ્થાનના બાસવાડા-કુશલગઢને જોડતો ટુંકો રસ્તો છે. આ 8 કિ.મી.નો રસ્તો સંપુર્ણ રીતે તૈયાર થઈ જાય તો ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત તરફ અવર જવર કરતા વાહનચાલકોને સરળતા રહે તેમ છે. અગાઉ ઝાલોદથી ગરાડુ, કાળિયા, નાના-મોટા બોરીદા, સુખસર થઈ સંતરામપુર જતી એસ.ટી.બસોની સુવિધા પણ હતી. પરંતુ તેવા સમયે બિસ્માર રસ્તા સહિત રસ્તાની બંને સાઈડોમાં ફુટી નીકળેલા ગાંડા બાવળના ઝુંડના કારણે આ એસ.ટી.ટ્રીપો બંધ કરી હતી જેથી આ ગામડાના લોકોને વર્ષોથી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ત્યારે આ નવીનીકરણ પામેલા દ્વિમાર્ગીય રસ્તાની કામગીરી પુર્ણ થઈ જાય તો પ્રજાને એેસ.ટી.બસોની સુવિધા સહિત ભારદારી વાહનોને અવર જવર કરવામાં ખુબ જ સરળતા રહે તેમ છે. રસ્તા બાબતે લાગતા વળગતા તંત્રએ સત્વરે ઘ્યાન આપે અને આ રસ્તાની અધુરી કામગીરી વહેલી તકે પુરી કરે તેવી સ્થાનિક પ્રજા સહિત વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.