ફતેપુરા, ફતેપુરા નગરમાં જયાં જુઓ ત્યાં કાદવ અને ગટરના ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા તેમજ ગંદા ગટરના પાણીના ખાબોચિયા જોવા મળે છે. નગરમાં સ્વચ્છતાંનુ નામો નિશાન જોવા નહિ મળતા રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી ન કરાતા નગરના માર્ગો પર ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તેમજ રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
ફતેપુરા તાલુકામાં ભુગર્ભ ગટર યોજના થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. આ ભુગર્ભ ગટરનુ ગંદુ પાણી ફતેપુરાની વલય નદી ખાતે ફિલ્ટર કરીને નદીમાં ઠલવાતુ હતુ. પરંતુ આ ભુગર્ભ ગટર યોજના નિષ્ફળ જતા ચેમ્બરનુ ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળતા જયાં જુઓ ત્યાં કાદવ-કિચડ જોવા મળી રહ્યુ છે. જેને દુર કરવા ગ્રામ પંચાયતના તલાટી, વહીવટદાર, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા નગરવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરના પોલીસ સ્ટેશન રોડ, સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે, રમેશ સુંદરની ગલીવાળો ભાગ, મેઈન બજાર વિસ્તાર તેમજ જુના બસ સ્ટેશન વિસ્તારના ગંદા પાણીના કારણે કાદવ-કિચડ જોવા મળે છે. નગરની જુની ગટર તોડીને નવી યોજનામાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ ગંદા પાણીના નિકાલ માટે બનાવાયેલા ચેમ્બરો કાદવ-કિચડથી ભરાઈ જતા ગટરો ઉભરાઈને રસ્તા પર ગંદુ પાણી ફરી વળે છે. ત્યારે વહેલી તકે ચેબરોની સાફસફાઈ કરી કચરાનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.