દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનોમાં અવારનવાર ભંગાણો સર્જાય છે. હાલમાં જ ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું તેની શાહી હજી સુકાય નથી. ત્યાં તો ફતેપુરા તાલુકાના ભીચોર ગામે હનુમાન મંદિર ફળિયામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે.
ફતેપુરા તાલુકાના ભીચોર ગામે હનુમાન મંદિર ફળિયામાંથી પસાર થતી પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણના કારણે અહીં છેલ્લા બે દિવસથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે અને આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ બાબતની જાણ ગામના જાગૃત નાગરિકોને થતા ગામના જાગૃત નાગરિકો સુભાષ પારગી, ચેતન પારગી, રાજુ બારીયા અને કૌશિક કલાલે સંબંધીત અધિકારીઓને આ બાબતની જાણ કરી છે, પરંતુ અત્યાર સુધી ભીચોર ગામે હનુમાન મંદિર ફળિયા માંથી પસાર થતી આ પાણીની પાઇપલાઇનનું ભંગાણ રીપેર કરીને પાણીનો વેડફાટ થતો અટકાવવામાં આવ્યો નથી. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈને આ પાણીની પાઇપ લાઇનને તાત્કાલિકે રીપેર કરવામાં આવે અને હજારો લિટર વેડફાતા પાણીનો વ્યય થતો અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.