ફતેપુરા, ફતેપુરા તાલુકાના અનેક ગામડાઓમાં સ્મશાનગૃહ બનાવવામાં આવ્યા નથી. મહત્તમ સ્થળે નદીના તટે ખુલ્લામાં જ અંતિમ સંસ્કાર કરી નાંખવામાં આવે છે. જયારે કેટલીક જગ્યાએ અંતિમ સંસ્કાર માટે અવર જવરના રસ્તાઓ પણ નથી. પરંતુ આ બાબતે કોઈ ઘ્યાન આપતુ નથી. ફતેપુરા તાલુકાના બલૈયા, મોટીરેલ, નાની-મોટી નાદુકણ, કંકાસીયા, બાવાની હાથોડ, જતનના મુવાડા, વગેરે ગામડાઓમાં મૃત વ્યકિતઓના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યુ નથી. જોકે બલૈયા ગામ સહિત ઉપરોકત ગામડાઓમાં નોકરીયાત, વેપારીઓ, ખેડુતો, અને શ્રમિકો હજારોની સંખ્યામાં વસવાટ કરે છે. બલૈયાની સુકી નદી ખાતે જયાં જગ્યા મળે ત્યાં અંતિમ સંસ્કાર કરાય છે. અંતિમ સંસ્કાર ગૃહ તો ઠીક પરંતુ ડાઘુઓને અવર જવર માટે રસ્તા પણ સુવિધા નથી.