ફતેપુરા મોટીરેલ પુર્વમાં સસ્તા અનાજની દુકાનમાંથી ધઉં-ચોખાનો જથ્થો સીઝ કરાયો

સુખસર,ફતેપુરા તાલુકાના મોટી રેલ પુર્વ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં એપીએલ અને બીપીએલ જે તે લાભાર્થીઓને સરકારના નિયમ મુજબ જથ્થો ફાળવવામાં નહિ આવતો હોવા બાબતે રજુઆત કરવામાં આવી હતી તેમાં જણાવ્યુ હતુ કે, મોટીરેલ પુર્વ સસ્તા અનાજ દુકાન સંચાલક જયેશભાઈ કલાલનાઓએ દુકાનની બાજુમાં આવેલ રૂમમાં ધઉં તથા ચોખાનો અનઅધિકૃત જથ્થો સંગ્રહ કરેલો હોવા બાબતે રજુઆત થતાં ફતેપુરા તાલુકા મામલતદાર, પુરવઠા મામલતદાર તથા ડીએસઓ દાહોદની ટીમ દ્વારા મોટી રેલ પુર્વ સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રજુઆત પ્રમાણે તપાસ કરતા બાજુના રૂમમાંથી 49 કટ્ટા ચોખાના જેનુ વજન 2450 કિલોગ્રામ તથા ધઉંના કટ્ટા નંગ-38 જેનુ વજન 1900 કિલોગ્રામ કુલ મળી 87 કટ્ટા અનઅધિકૃત રીતે મળી આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા આ જથ્થો સીઝ કરીને બારીયાની હાથોડ સ્થિત ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએથી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ જિલ્લા પુરવઠા કલેકટર સમક્ષ વિગતો મોકલાતા તાલુકામાં ગેરરિતી આચરનારા દુકાન સંચાલકોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.