ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઝાલોદ રોડ વિસ્તારમાં એમજીવીસીએલ ની કચેરી ની સામે જ વરદાન હોસ્પિટલ નું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને આ બાંધકામ દરમિયાન વીજ વપરાશ માટે ગેરકાયદેસર કનેક્શન અપાયું હોવાનું તેમજ હોસ્પિટલ કાર્યરત કરીને હોસ્પિટલમાં પણ વીજ વપરાશ માટે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અપાયું હોવાનું ફતેપુરા નગરના એક જાગૃત નાગરિકે ફતેપુરા એમજીવીસીએલ ના અધિકારીઓ તેમજ દાહોદ જિલ્લાના એમજીવીસીએલ ના અધિકારીને પુરાવા સાથે રજૂઆત કરી હતી.
ફતેપુરા નગરના જાગૃત નાગરિક કે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ પુરવઠા સાત પુરાવા સાથે રજૂઆત કરતા ફતેપુરા એમજીવીસીએલ તંત્ર સફાળું જાગ્યું અને ફતેપુરા એમજીવીસીએલ કચેરી ની સામે જ આવેલી વરદાન હોસ્પિટલની બિલ્ડીંગમાં ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન આ બિલ્ડીંગના બાંધકામ માટે ગેરકાયદેસર વીજ કનેક્શન લેવાયું હોવાનું તપાસમાં સામે આવ્યું જેમાં ફતેપુરા નગરના લક્ષ્મણ લીમજી દ્વારા આ બિલ્ડિંગના બાંધકામ માટે પોતાના વીજ મીટર માંથી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું હતું જેના પગલે ફતેપુરા એમજીવીસીએલ દ્વારા અન ઓથોરાઈઝડ ચેન્જ ઓફ પરપઝ અંતર્ગત રૂપિયા 20,548 નું પેનલ્ટી બિલ ફટકારવામાં આવ્યું તેમજ વધુ તપાસ હાથ ધરતા આજ બિલ્ડિંગમાં ઉપરના માળે વરદાન હોસ્પિટલ કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં તપાસ કરતા આ વરદાન હોસ્પિટલમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ કરાયું હોવાનું સામે આવ્યું હતું જેમાં પણ ફતેપુરા નગરના ઝાલોદ રોડ વિસ્તારના લક્ષ્મણ લીમજી બરજોડ દ્વારા તેના વેલ્ડીંગ મશીનના વીજ કનેક્શનમાંથી આ હોસ્પિટલમાં વીજ વપરાશ માટે ગેરકાયદેસર રીતે વીજ જોડાણ આપ્યું હોવાનું સામે આવ્યું હતું જેના પગલે ફતેપુરા એમજીવીસીએલ દ્વારા કોમર્શિયલ લોડ એડિશન અંતર્ગત રૂપિયા 47,626 નું પેનલ્ટી બિલ ફટકાવામાં આવ્યું હતું.આ રીતે ફતેપુરા એમજીવીસીએલ ની સામે જ વરદાન હોસ્પિટલના બાંધકામ અને હોસ્પિટલમાં વીજ વપરાશ માટે ગેરકાયદેસર વીજ જોડાણ આપનાર વીજ કનેક્શન ધારકને કુલ રૂપિયા 68,174 નું પેનલ્ટી બિલ ફટકારવામાં આવ્યુ.
અહીં આંખે ઉડીને વળગે એવો સવાલ એ ઉભો થાય છે કે ફતેપુરા એમજીવીસીએલ કચેરી ની સામે જ આ રીતે ગેરકાયદેસર વીજ કનેક્શન અપાયું હોય અને ફતેપુરા mgvcl ના ધ્યાને ન આવ્યું હોય તે કઈ રીતે શક્ય બને?જ્યારે ફતેપુરા એમજીવીસીએલ દ્વારા ફતેપુરા તાલુકામાં આવા બોગસ કનેક્શન શોધવા માટે ટીમોના ધાડે ધાડા ઉતારવામાં આવે છે અને બોગસ કનેક્શન અને ગેરકાયદેસર કનેક્શન ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે mgvcl ની કચેરી સામે જ આવી લાલિયા વાડી ચાલતી હોય અને એમજીવીસીએલ ની કચેરીના અધિકારીઓને ખબર ન હોય તે વિચારવા જેવી બાબત છે.અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરા એમજીવીસીએલ કચેરી અને ફતેપુરા નગરનું જુનું વરદાન હોસ્પિટલ એક જ બિલ્ડિંગમાં આવેલું છે.ત્યારે સ્વાભાવિક રીતે એક જ બિલ્ડિંગમાં હોવાના કારણે ફતેપુરા એમજીવીસીએલ ના અધિકારીઓ અને આ વરદાન હોસ્પિટલના તબિબ વચ્ચે મિત્રતા કેળવાઇ હોય અને ફતેપુરા એમજીવીસીએલ ના અધિકારીઓએ એકબીજાની આંખની શરમ રાખીને આવું ગેર કાયદેસર વીજ કનેક્શન ચાલવા દીધું હોય તો તે તપાસના અંતે જ ખબર પડે તેમ છે.ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ બાબતે એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈને આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આ ગેરકાયદેસર વીજ જોડાણ ની ઘટનામાં સંડોવાયેલા તમામ સામે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે ઈચ્છનીય છે.ત્યારે અહીં એક વાત વિચારવા જેવી એ પણ છે કે જો ફતેપુરા નગરના જાગૃત નાગરિકે આ બાબતે પુરાવાઓ સાથે ફતેપુરા mgvcl અને mgvcl ના જિલ્લા કક્ષાના અધિકારીને જાણ ન કરી હોત તો આ કનેક્શન કાયમ માટે આમ જ ચાલુ રહેતું?ત્યારે હવે એમજીવીસીએલ ની ટીમ દ્વારા આ ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપી પાડીને હાલ તો આ ગેરકાયદેસર વીજ જોડાણ આપનાર ને પેનલ્ટી બિલ ફટકારી સંતોષ માન્યો છે અને આ કાયદેસર વીજ કનેક્શન જે રીતે ચાલતું હતું તે રીતે જ ચાલુ રાખવામાં આવ્યું છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ??તે તો હવે જોવું રહ્યું .