ફતેપુરા જૈન મંદિરમાંં બીજી વખત તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતાં જૈન સમાજમાં રોષ

દાહોદ જીલ્લાના ફતેપુરા નગરમાં આવેલ જૈન મંદિરમાં 27 દિવસ પહેલા તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપ્યાં બાદ પુન: ફરી એકવાર તેજ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરતાં ફતેપુરાના જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે જેતે સમયે થયેલ ચોરીના બનાવમાં પોલીસ મથકે ફરિયાદ કર્યા બાદ પણ પોલીસની નિષ્ક્રિય કામગીરીને પગલે તસ્કરોએ પુન: મંદિરમાં ચોરીનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.

ફતેપુરા નગરમાં ઝાલોદ રોડ પર આવેલ જૈન મંદિર જુલાઈ મહિનામાં તસ્કરોએ મંદિરનું તાળુ તોડી મંદિરમાં મુકી રાખેલ દાન પેટીમાં અંદાજે રૂપીયા 50 હજારની ચોરી કરી નાસી ગયાં હતા. ત્યારે જે તે સમયે ફતેપુરાના જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ફતેપુરા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાંવી હતી, પરંતુ ફરિયાદ બાદ પણ પોલીસે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી ન કરતાં તસ્કરોએ પુન:એકવાર મોકળુ મેદાન મળ્યું હતું.

જેને પગલે ગત તા.17મી ઓગષ્ટના રોજ તસ્કરોએ તેજ મંદિરમાં ચોરીના પ્રયાસે ખુસ્યા હતાં, પરંતુ મંદિરમાં દર્શન માટે આવી પહોંચેલ જૈન સમાજની મહિલાઓને આવતાં જોઈ તસ્કરોએ ભાગવા લાગ્યાં હતા. ત્યારે તસ્કરો પૈકી એકનો મોબાઈલ ફોન દાન પેટીની ઉપરથી મળી આવ્યો હતો ત્યારે જૈન સમાજની મહિલાઓ દ્વારા આ મામલે સમાજના આગેવાનોને જાણ કરતાં તમામ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. આ મામલે ફતેપુરાના જૈન સમાજ દ્વારા ફતેપુરા પોલીસ મથકે તસ્કરોનો મોબાઈલ ફોન સુપ્રત કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ પુન: ચોરીના પ્રકરણમાં ફતેપુરા પોલીસ તસ્કરો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ ? જેવા અનેક સવાલો ફતેપુરા નગરજનોમાં ઉદ્ભવવા પામ્યાં છે.