ફતેપુરા, ફતેપુરા અને સંજેલી તાલુકામાં મોટાભાગના ગામોમાં કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના હેઠળ પાણી મળતુ નહિ હોવાનુ તેમજ પાઈપલાઈનની કામગીરી અધુરી હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. જે સંદર્ભે આ યોજનાના કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સાથે ધારાસભ્યે બેઠક અને સમીક્ષા કરી બે મહિનામાં તમામ કામગીરી પુર્ણ કરવાની સુચના આપી હતી. તેમજ બે મહિના બાદ તમામ ગામોની મુલાકાત લઈ કામગીરી બાકી હશે તો ગ્રાન્ટના નાણાં રિકવર કરવા ચિમકી આપી હતી.
દાહોદ જિલ્લા સહિત દેશભરના તમામ ગામોમાં કેન્દ્ર સરકારની યોજનામાં ધરે ધરે પીવાનુ શુદ્ધ પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના શરૂ કરી હતી. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની અનેક રજુઆતો થઈ હતી. જેમાં ફતેપુરા અને સંજેલી તાલુકામાં પણ નલ સે જલ યોજનામાં લોકોને પાણી મળ્યુ નહિ હોવાની ફરિયાદો ઉઠી હતી જે બાબતે ધારાસભ્યે યોજનાના કોન્ટ્રાકટરો અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કામગીરી કયાં સુધી પહોંચી તે બાબતની ચર્ચા કરી હતી. જેમાં મોટાભાગના ગામોમાં કામગીરી પુર્ણ થઈ ગઈ હોવાની, તેમજ કેટલાક ગામોમાં સ્થાનિક લોકો કામગીરી કરવા દેતા નહિ હોવાની તેમજ કેટલાક ગામોમાં પાણી નહિ હોવાના કારણે પાણી અપાતુ નથી. ઓપરેટરો પાણી ચાલુ કરતા નથી, સરપંચો પાણી આપવાની જવાબદારી લેતા નથી, કેટલાક ગામોમાં વીજ જોડાણ કરાયા નહિ હોવા જેવી સમસ્યાઓની તેમજ કેટલાક ગામોમાં કોન્ટ્રાકટરો દ્વારા અધુરી કામગીરી કરી બંધ કરી દેવાઈ હોવાની પણ ચર્ચા થઈ હતી. જેથી ધારાસભ્યે તમામ કોન્ટ્રાકટરો અને અધિકારીઓને વધુ બે મહિનાનો સમય આપી ત્યાં સુધીમાં બંને તાલુકામાં કામગીરી પુર્ણ કરી લોકોને ધર સુધી પાણી પહોંચતુ કરવા સુચના આપી હતી. ત્યારબાદ જે તે કોન્ટ્રાકટર, અધિકારી સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ કડક ભાષામાં ચિમકી આપી હતી.