દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના બારીયા ફળિયામાં રાત્રીના સમયે એક રહેણાંક મકાનમાં અકસ્માતે કોઈ કારણસર આગ લાગી જતાં આગમાં સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ અનાજ ઘરવખરી સામાન વગેરે સાથે સંપૂર્ણ મકાન બળીને રાખ થઈ જતાં આગમાં અંદાજે રૂપિયા બે લાખથી પણ વધુનુ નુકશાન થયાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ રહેવા પામ્યું છે.
ગત તા. 8-5-2023ના રોજ રાતે સાડા આઠથી નવ વાગ્યાના સમયગાળામાં ઘુઘસ ગામના બારીયા ફળિયાના 50 વર્ષીય ગવીબેન દીપકભાઈ અમલાભાઈ બારીયા તેમના જેઠના ઘરે ગયા હતા. તે દરમ્યાન તેમના પોતાના લાકડાથી બનાવલ રહેણાંક મકાનમાં અકસ્માતે આગ લાગતાં આગ જોતજોતામાં ભીષણ બની જતાં આગમાં ઘરમા મૂકેલ રૂપિયા 36000ની કિંમતની 500 ગ્રામ વજનની ચાંદીની સાંકળી, રૂપિયા 15000ની કિંમતના આશરે 200 ગ્રામ વજનના ચાંદીના તોડા, રૂપિયા 5000ની કિંમતની કાનમાં પહેરવાની જુની સોનાની બે કડીઓ તથા તેમના દીકરાના લગ્ન હોય ક્ધયા પક્ષને લગ્નનો ખર્ચ આપવા માટે રાજસ્થાનના છાલકાતળાઈ ગામે રહેતા તેના બનેવી ચીમનભાઈ રીટાભાઈ નિનામા પાસેથી હાથ ઉછીના લાવી ઘરની અંદર અનાજ ભરવાના પીપમાં મૂકેલ રૂપિયા 1,50,000ની રોકડ વગેરે મળી રૂા. 2,06,000નો મત્તા સાથે ઘર સંપૂર્ણ બળી રાખ થઈ જવા પામ્યો હતો.
આ સંબંધે ઘરધણી ગવીબેન દીપકભાઈ બારીયાએ ફતેપુરા પોલીસને જાણ કરતાં ફતેપુરા પોલીસે આ મામલે આગ અંગેની જાણવાજોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.