યુટ્યૂબમાં જોઈ બે મિત્રોનું ‘ફર્જી’કાંડ:નડિયાદમાં SOGએ 1 લાખની બનાવટી નોટો ઝડપી, A4 પેપર પર પ્રિન્ટ કરતાં, 15 દિવસમાં જ પોલ ખૂલી ગઈ

નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે ધૂપેલીના ખાંચામાં આવેલા એક રહેણાક મકાનમાંથી રૂ. 1.03 લાખની કિંમતની બનાવટી નોટો જપ્ત કરી છે. બંને આરોપીઓએ યુટ્યૂબ પર વીડિયો જોઈને બનાવટી નોટો છાપી હતી. જોકે, બંનેનું ફર્જીકાંડની માત્ર 15 દિવસમાં જ પોલ ખૂલી ગઈ હતી.

અમેઝોનના પ્રાઈમ વીડિયો પર 2023-24માં શાહીદ કપૂરની એક વેબસિરીઝ આવી હતી, તેનું નામ હતું ફર્જી. આ સિરીઝમાં નાયક કહો તો નાયક કે ખલનાયક કહો તો ખલનાયક. શાહીદ કપૂર તેના મિત્ર સાથે મળીને નકલી નોટો બનાવતો હતો. એટલું જ નહીં, તેણે આ નકલી નોટોને ગુજરાતમાં પણ ઘુસાડી હતી. ત્યારે નડિયાદના બે શખસે પણ ફર્જીકાંડ કર્યો છે.

આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે – મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અય્યુબ અલાદ. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ અસલી નોટોની મદદથી A4 પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.

પોલીસે સ્થળેથી 500ના દરની 135 નોટો, 200ના દરની 168 નોટો અને 100ના દરની 25 નોટો મળી કુલ 328 બનાવટી નોટો જપ્ત કરી છે. FSL અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે. FSL તપાસમાં જાણવા મળ્યું કે નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે, કલરમાં વિસંગતતા છે, સિક્યોરિટી થ્રેડ, બ્લાઇન્ડ પર્સન માર્ક અને વોટર માર્ક નથી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને આ નકલી નોટો કેટલા સમયથી બનાવવામાં આવતી હતી અને બજારમાં કેટલી નોટો ફરતી કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

આ બનાવ મામલે SOG પીઆઈ ડી.એન.ચુડાસમાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‌બનાવ સ્થળેથી અસલ નોટોનો ફરમો પણ મળી આવ્યો છે. જે અસલ નોટોના બીબામાં ઢાળી નકલી ચલણી નોટો બનાવવામાં આવતી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, આરોપીઓએ યુટ્યૂબમાં બનાવટી નોટોના વીડિયો જોયા અને તેના મારફતે આ બનાવટી નોટો બનાવતા હતા. છેલ્લા 15 દિવસથી આ પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અરોપીઓ બંને કાપડની ફેરી કરે છે અને બંને મિત્રો થાય છે. આ જે રહેણાક મકાન છે, તે ઉપરના માળે ભાડે લીધેલું હતું અને ત્યાં દિવસે નોટો બનાવતા હતા.

પ્રાયમરી સ્ટેજ પર તેઓ નકલી ચલણી નોટો બનાવવા ફેલ થયા હતા. કારણ કે A4 સાઈઝના પેપર બરાબર આવતા ન હોય અને બાદમાં માપના જીએસએમના કાગળો આવતા આરોપીઓને નકલી નોટો બનાવવાની સફળતા મળી હતી. આ બનાવમાં અન્ય કોઈ સાગરીતની મદદગારી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું છે કે, જ્યાં તક દેખાય ત્યાં ઉપયોગ કરવાની ફિરાકમાં હતા. ખાસ ભીડભાડવાળા વિસ્તારોમાં આ નકલી નોટો ફરતી કરવાની હોવાનું જણાવ્યું છે.